માહિતી બ્યુરો-સુરત, શનિવાર: દીપાવલીના પાવન તહેવારોને ધ્યાન ધ્યાને રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની અર્થે સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીશ્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રશંસનીય અને ગુણવત્તાસભર કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં અને ગેરમાર્ગે દોરનારા તત્વોને ક્યારેય સાખી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ડુપ્લીકેટ ઘી તેમજ એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ, કેરીનો રસ અને પામ ઓઈલનો ભેળસેળયુક્ત ઉપયોગ કરી ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ અને એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ પ્રકારના દૂષણોને જડમૂળમાંથી ડામવા તંત્ર સજ્જ છે.
આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના મામલે ગુજરાત સમગ્ર દેશ માટે એક ઉત્તમ 'રોલ મોડલ' સાબિત થશે. રાજ્ય સરકારના આ સઘન અને પારદર્શક અભિયાનથી બજારમાં શુદ્ધ અને સાત્વિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, બજારમાં ગેરમાર્ગે દોરતા પ્લાસ્ટિક રેપર પર માત્ર 'ઘી' લખીને વેચાતા પામ ઓઇલ જેવા ઉત્પાદનો સામે કાયદેસરના કેસ કરી ઉત્પાદકોને છોડવામાં નહીં આવે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટ્રીટ્સ પર સ્વચ્છતાના ધોરણો અને SOPનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ સીલ ખોલીને માલની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ સહયોગથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાલી રહેલી દંડનાત્મક અને સેમ્પલિંગ કામગીરીની સમીક્ષા કરવા તથા ઇમરજન્સી સેવાઓને વધુ સુગ્રથિત કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં આરોગ્યના પ્રાદેશિક નાયબ નિયામકશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ૧૦૮ સેવાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.