આજરોજ તા. ૨૮/૧૦/૨૦૨૬ ને બુધવારના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી, ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન અંતર્ગત તેમજ RSS સંચાલિત ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું, ખડકાળા (તા. સાવરકુંડલા, જી. અમરેલી) દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે એક ભવ્ય 'સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ' નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુર્વેદિક નિદાન કેમ્પમાં ઉપસ્થિત ગ્રામજનોને સ્વાસ્થ્ય અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પની વિશેષતા એ રહી કે, અહીં દર્દીઓની તપાસ અને નિદાન ઉપરાંત તેમને આયુર્વેદ અનુસાર દિનચર્યા (રોજીંદી જીવનશૈલી) તથા ઋતુચર્યા (ઋતુ અનુસાર આહાર-વિહાર) નું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ આરોગ્ય લક્ષી પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અપનાવવા ઉત્સાહ દાખવ્યો હતો.
આ લોકઉપયોગી સેવાયજ્ઞને સફળ બનાવવા માટે વૈદ્ય કૌશલ ગોંડલીયા તેમજ ડૉ. હેડગેવાર સેવા સમિતિના અગ્રણીઓ વિનાયકભાઈ પરમાર, પંકજભાઈ વ્યાસ, અશોકભાઈ અગ્રાવત, ગિરીશભાઈ નાંદોલીયા, કૌશિકભાઈ બોરીસાગર, ભાભલુભાઈ ખુમાણ, અરજણભાઈ રબારી અને હિરેન ડાભીએ પોતાની ઉત્સાહભેર સેવાઓ આપી હતી.