Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે આદિવાસી મહિલાઓના સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બનતું એકતાનગર

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે આદિવાસી મહિલાઓના સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બનતું એકતાનગર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

રાજપીપળા, મંગળવારઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

રાજપીપળા, મંગળવારઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાના અભિગમ હેઠળ શરૂ કરવામાં આવેલો ‘પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ’ આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાની નવી રાહ બની રહ્યો છે. આ પહેલ હેઠળ એકતાનગરની આસપાસનાં છ ગામની કુલ ૮૫ મહિલાઓને ઈ-ઓટો ચલાવવાની તક મળી છે, જેના માધ્યમથી તેઓ રોજગારી મેળવી આર્થિક રીતે સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી રહી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન ક્ષેત્રે સ્થાનિક મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે તેમને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે હાથ ધરવામાં આવેલી આ પહેલમાં મહિલાઓને ઈ-ઓટો ચલાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. તાલીમ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાઓને વિશેષ ‘પિંક ઈ-ઓટો’ ફાળવવામાં આવી છે, જે એકતાનગર અને આસપાસના પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગી બની રહી છે.

સામાન્ય રીતે પરિવારમાં આર્થિક જવાબદારી નિભાવવાની સાથે ઘરકામ અને અન્ય સામાજિક જવાબદારીઓ સંભાળતી મહિલાઓ માટે સ્વતંત્ર આવકનું સાધન ઊભું થવું એ સશક્તિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ દ્વારા આદિવાસી મહિલાઓને પોતાની આવડત અને મહેનતના આધારે રોજગારી મેળવવાની તક મળી છે. આ પહેલ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમને પરિવારની આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે. છ ગામની ૮૫ મહિલાઓને રોજગારી સાથે જોડવાનો આ પ્રયાસ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણનું નોંધપાત્ર ઉદાહરણ બની રહ્યો છે.

એકતાનગર આજે માત્ર પ્રવાસનનું આકર્ષણ નથી, પરંતુ સ્થાનિક સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનું પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં વિવિધ પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશના પ્રવાસીઓની વધતી અવરજવરને પગલે પરિવહન અને પ્રવાસી સુવિધાઓની માગમાં પણ વધારો થયો છે. આવા સંજોગોમાં સ્થાનિક મહિલાઓને ઈ-ઓટો સંચાલન સાથે જોડવાથી પ્રવાસન ક્ષેત્રમાં તેમની ભાગીદારી વધે છે અને રોજગારીની સ્થાનિક તકોને પ્રોત્સાહન મળે છે. આ રીતે પ્રવાસન વિકાસ અને સામાજિક-આર્થિક સશક્તિકરણને એકસાથે આગળ વધારવાનો અભિગમ સાકાર થઈ રહ્યો છે.

પિંક ઈ-ઓટો પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે મહિલા સશક્તિકરણની સાથે પર્યાવરણ સંરક્ષણના હેતુને પણ વેગ આપે છે. ઈ-ઓટો પરંપરાગત ઇંધણથી ચાલતાં વાહનોની સરખામણીએ સ્થાનિક પરિવહન માટે વધુ ઇકો ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડે છે. પ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે છે. આમ, એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા, સ્થાનિક રોજગારી અને પર્યાવરણમિત્ર પરિવહનનો સમન્વય આ પ્રોજેક્ટને વિશિષ્ટ બનાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ, સ્થાનિક રોજગારીના સર્જન અને વિકાસમાં જનભાગીદારીના અભિગમ સાથે સુસંગત આ પહેલ આદિવાસી મહિલાઓને વિકાસની નવી તકો પૂરી પાડે છે. મહિલાઓને માત્ર લાભાર્થી તરીકે નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રની સક્રિય ભાગીદાર તરીકે જોડવાનો આ અભિગમ ‘નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સ્વરોજગારીની તક મળવાથી મહિલાઓમાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસ વધે છે, જ્યારે સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળે છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે એકતાનગરનો પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ વિકાસના વ્યાપક અર્થને ઉજાગર કરે છે. પ્રવાસનનો લાભ સ્થાનિક લોકો સુધી પહોંચે, આદિવાસી મહિલાઓને રોજગારીની તકો મળે અને ઇકો ફ્રેન્ડલી પરિવહનને પ્રોત્સાહન મળે આ ત્રણેય ઉદ્દેશોને જોડતી ઈ-ઓટોની પહેલ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બની રહી છે. છ ગામની ૮૫ મહિલાઓની આ સફર માત્ર રોજગારી પૂરતી સીમિત નથી, પરંતુ આત્મનિર્ભરતા, સ્વાભિમાન અને સમાન તકના આધારે વિકસતા નવા એકતાનગરની ઓળખ પણ બની રહી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)