નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ અને ડિગ્રી વગરના લેભાગુ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો અને આરોગ્ય કમિશનર શ્રી રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર રાજ્યમાં એક ખાસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
આ મેગા ડ્રાઈવની વિગતો આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨૯૮ ટીમો રચવામાં આવી હતી, જેણે સતત ૧૫ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને આરોગ્ય વિભાગે સંયુક્તપણે આ ઓપરેશન પાર પાડ્યું હતું. તપાસ દરમિયાન કુલ ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાંથી ૩૫ અનધિકૃત ડોક્ટરો સામે એફ.આઈ.આર. (FIR) નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટમાં સૌથી વધુ ૧૭ બોગસ ડોક્ટરો, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ અને બાકીના વિસ્તારોમાં ૧-૧ એમ મળીને કુલ ૩૫ બોગસ ડોક્ટર સામે કાયદાકીય શિકંજો કસાયો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, સરકારના અગાઉના દિશાનિર્દેશો અને ઠરાવ મુજબ બોગસ ડોક્ટરોની બદીને ડામી દેવા માટે જિલ્લાવાર સભ્યોની ખાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટી બાતમીદારોના માધ્યમથી સક્રિય રહીને દરોડાની કાર્યવાહી કરી રહી છે.
આ સમિતિમાં તાલુકા હેલ્થ ઓફિસર (THO), મેડિકલ હેલ્થ ઓફિસર, સંબંધિત વિસ્તારના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), પોલીસ હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ કચેરીના સિનિયર ક્લાર્ક તેમજ સંબંધિત ગામ કે વિસ્તારના તલાટી-કમ-મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મેગા ડ્રાઇવ દરમિયાન જ્યારે આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દરોડા પાડવા પહોંચી, ત્યારે કેટલાક લેભાગુ તત્વો અગાઉથી જ પોતાના ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને જતા રહ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જોકે, કાયદાની આંખોથી બચીને ભાગેલા આ ફરાર અને છૂપાયેલા તત્વોને કાયદાના કડક સકંજામાં લાવવા માટે આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા સઘન શોધખોળ અને વિશેષ સર્વેલન્સની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.
આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી અને તહેવારોના દિવસો બાદ પણ બોગસ તબીબો વિરુદ્ધની આ ઝુંબેશ વધુ સક્રિયપણે ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ખૂણે એક પણ બોગસ ડોક્ટર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે તેવો આરોગ્ય વિભાગનો મક્કમ નિર્ધાર છે. આ સંદર્ભે વિભાગ દ્વારા તમામ જાગૃત નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને સ્થાનિક શ્રેષ્ઠીઓને અપીલ કરવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતું શંકાસ્પદ શખ્સ જણાય, તો તુરંત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC/CHC), પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. (SOG) ને જાણ કરવી.
સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે નિઃશુલ્ક સારવાર, ગુણવત્તાયુક્ત દવાઓ અને નિદાન માટેના તમામ લેબોરેટરી ટેસ્ટ ઉપલબ્ધ છે. જો નાગરિકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ઈચ્છતા હોય, તો પણ માત્ર માન્ય ડિગ્રી જેમ કે MBBS, આયુર્વેદ, હોમિયોપેથી કે સરકાર માન્ય મેડિકલ કોર્સ ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ દવા લેવી હિતાવહ છે. ડિગ્રી વગરના લેભાગુ અને અણઘડ તત્વો પાસે સારવાર કરાવવાથી માનવ શરીરને કાયમી નુકસાન પહોંચી શકે છે અને દર્દીના અમૂલ્ય જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.