રાજ્યમાં વિવિધ તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવારો ઉજવી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા હંમેશાં લોકઉપયોગી પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા સુરત સહિત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાંથી કુલ ૨૪૦૦ જેટલી એક્સ્ટ્રા બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે.
દિવાળી નિમિત્તે આગામી તા. ૪ થી ૭ નવેમ્બરથી સુધી નિયમિત બસ સેવાઓ ઉપરાંત એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. આ વધારાની બસો દ્વારા ૮,૦૦૦ થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડવામાં આવશે.
ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકો માટે આ વ્યવસ્થા અત્યંત રાહતરૂપ સાબિત થશે.
મુસાફરો આ એક્સ્ટ્રા બસોની સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિગમની વિભાગીય કચેરીના ડેપો પરથી તેમજ અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત, મુસાફરો સંચાલન સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.