અમરેલી

સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ‘નો પ્લાસ્ટિક’ જાગૃતિ અભિયાન યોજાયું: કાપડની થેલીઓનું વિતરણ કરાયું

​પર્યાવરણની જાળવણી અને સાવરકુંડલા નગરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના સુંદર સંકલ્પ સાથે જેસર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ‘નો પ્લાસ્ટિક’ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​આ અભિયાન અંતર્ગત ગુરુકુળના ઉત્સાહી વિદ્યાર્થીઓએ શહેરની મુખ્ય શાક માર્કેટમાં રૂબરૂ જઈ નાગરિકોને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કર્યા હતા. પ્લાસ્ટિકના વિકલ્પરૂપે વિદ્યાર્થીઓએ લોકોને કાપડની સીવેલી થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું અને ભવિષ્યમાં શાકભાજી કે અન્ય વસ્તુઓ લેવા જતી વખતે ઘરેથી જ કાપડની થેલી સાથે રાખવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓની આ પહેલને નગરજનો તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો.

​આ સેવાકીય કાર્યક્રમ સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કોઠારી અક્ષરમુક્તદાસજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ ઉપરાંત, સંસ્થાના ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ તેમજ પ્રિન્સિપાલ શ્રી કૌશિકગિરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના આ મહાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાવા પ્રેરણા પૂરી પાડી હતી.

​ગુરુકુળના વિદ્યાર્થીઓની આ સામૂહિક પ્રવૃત્તિ દ્વારા સમગ્ર સાવરકુંડલા શહેરમાં “પ્લાસ્ટિક છોડો, કાપડની થેલી અપનાવો” નો એક સચોટ અને સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો.

Related Posts