અમરેલી

ખેડૂત નેતા વીરજીભાઈ ઠુંમરના નિધનથી સૌરાષ્ટ્રને મોટી ખોટ, રાજુલા-જાફરાબાદ કોંગ્રેસ કાર્યકરો વતી ટીકુભાઈ વરૂએ શ્રદ્ધાંજલિ પાઠવી

રાજુલા-જાફરાબાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય ખેડૂત નેતા, સેવાભાવી આગેવાન અને અઢારે વરણના મસીહા સ્વ. શ્રી વીરજીભાઈ ઠુંમરના નિધનથી સમગ્ર કોંગ્રેસ પરિવાર અને જનમાનસમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
નાની વયથી જાહેરજીવનમાં પ્રવેશ કરી જિલ્લા પંચાયતના સભ્યથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધીની જવાબદારીઓ નિભાવનાર વીરજીભાઈ ઠુંમરે સહકારી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સેવા આપી હતી. તેમણે જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે પણ લાંબા સમય સુધી સેવા આપી ખેડૂતોના હિત માટે સતત કાર્ય કર્યું હતું.
વીરજીભાઈ ઠુંમરનું સમગ્ર જીવન સામાન્ય માણસ અને ખેડૂતની સેવા માટે સમર્પિત રહ્યું હતું. કોઈ નાનો કાર્યકર કે સામાન્ય વ્યક્તિ પોતાની મુશ્કેલી લઈને તેમની પાસે પહોંચે ત્યારે તેઓ તાત્કાલિક મદદરૂપ બનતા અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હંમેશા આગળ રહેતા. તેમની આ સેવાભાવનાને કારણે તેઓ લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવતા હતા.
સાંસદ તરીકે તેમણે વર્ષ 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના સમયગાળા દરમિયાન ભાવનગર-સોમનાથ રોડને મંજૂરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજુલા-જાફરાબાદ વિસ્તારને આ મહત્વપૂર્ણ માર્ગની ભેટ અપાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
તેમના નિધનથી અમરેલી જિલ્લાએ એક અનુભવી જનનેતા, ખેડૂતોએ પોતાના હિતેચ્છુ અને કોંગ્રેસે એક સમર્પિત કાર્યકર ગુમાવ્યો છે. આજે અનેક પરિવારો અને કોંગ્રેસના અસંખ્ય કાર્યકરોના ઘરમાં વીરજીભાઈ ઠુંમરના અવસાનથી શોકની લાગણી છે.
રાજુલા-જાફરાબાદ વિસ્તારના કોંગ્રેસના તમામ કાર્યકરો વતી હું સ્વ. વીરજીભાઈ ઠુંમરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના દ્વારા કરવામાં આવેલી લોકસેવા અને વિકાસના કાર્યો હંમેશા યાદ રહેશે.
પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા અસંખ્ય ચાહકોને આ અપૂરણીય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
રાજુલા-જાફરાબાદ કોંગ્રેસ કાર્યકરો વતી ટીકુભાઈ વરૂ એ જણાવ્યું છે

Related Posts