સાવરકુંડલા શહેરમાં આવેલા પવિત્ર ધામ કબીર ટેકરી આશ્રમ ખાતે પૂજ્ય સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ગણેશ વંદના કથ્થક નૃત્ય ગણેશ વંદના સાથે પ્રારંભ થયો આ પ્રસંગે એક નાની બાલિકાએ અદ્ભૂત ભાવ ભંગિમા સાથેના કથ્થક નૃત્ય દ્વારા ઉપસ્થિત તમામના મન મોહી લીધા હતા. આ પ્રસંગે ‘માનવતાની મહેક’ પુસ્તકનું વિમોચન તેમજ નવ સર્જકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સાહિત્યરસિકો અને શ્રદ્ધાળુઓની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સાધુ-સંતોના દિવ્ય આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો સાત્વિક પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિવિધ વક્તાઓએ કબીર ટેકરી આશ્રમ દ્વારા ચાલતી માનવસેવાની પ્રવૃત્તિઓ અને આશ્રમની ધાર્મિક-આધ્યાત્મિક વિચારધારા વિશે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. આ સમારોહની સૌથી નોંધપાત્ર અને વિશેષ બાબત એ રહી કે કોઈ પણ રાજકીય વ્યક્તિત્વને મંચ પર સ્થાન આપવાને બદલે આશ્રમ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા મહાનુભાવોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી આ અનોખી અને નમૂનેદાર પરંપરાની સૌએ મુક્ત મને સરાહના કરી હતી.
કબીર ટેકરીના મહંત પૂજ્ય નારાયણદાસ સાહેબની વિશેષ અનુકંપા અને સાહિત્ય પ્રીતિને કારણે આ ધાર્મિક ઉત્સવમાં સાહિત્ય અને સર્જકોને આગવું સ્થાન પ્રાપ્ત થયું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિ, સાહિત્ય અને માનવતાના સંગમથી ભક્તિમય બની ગયું હતું.


















Recent Comments