સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી મહિલા અધ્યાપન મંદિર તથા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની કામગીરી, છાત્રાલયની રહેવા-જમવાની વ્યવસ્થાઓ તથા તાલીમાર્થી બહેનોને મળતી શૈક્ષણિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ તાલીમાર્થી બહેનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકની ભૂમિકા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો સાચો પાયો છે. આજની તાલીમાર્થી બહેનો આવતીકાલના ઉજ્જવળ ભારતના ઘડવૈયા છે.” આ સાથે તેમણે જીવનમાં શિસ્ત, સંસ્કાર, સમર્પણ અને સતત પરિશ્રમનું મહત્વ સમજાવી બહેનોને પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્થા દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર ઘડતરની પ્રશંસા કરતા તેમણે ભવિષ્યમાં પણ સંસ્થાના વિકાસ માટે તમામ શક્ય સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી શરદભાઈ પંડયા, નીલાબેન વાઘાણી, સંચાલક મંડળના સભ્યો સર્વશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, દીપકભાઈ શેઠ, વિનુભાઈ રાવલ તથા બટુકભાઈ ભડકોલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફગણ અને તાલીમાર્થી બહેનોએ ધારાસભ્યશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ધારાસભ્યશ્રીએ વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવીને લીધેલી આ મુલાકાતથી સાવરકુંડલાના શિક્ષણ જગત પ્રત્યેની તેમની કાળજી અને પ્રતિબદ્ધતા છતી થાય છે. તેમની ઉપસ્થિતિથી તાલીમાર્થી બહેનોમાં નવો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર થયો હતો. કાર્યક્રમના અંતે સંસ્થા પરિવાર દ્વારા ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમગ્ર મુલાકાત અત્યંત સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થઈ હતી.


















Recent Comments