અમરેલી

₹45 કરોડની અમૃત-2 પાણી પુરવઠા યોજના વર્ષોથી અધૂરી, રાજુલા શહેર સહિત 61 ગામોની જનતા પાણી માટે વલખાં મારી રહી છે – ટીકુભાઈ વરૂ

છેલ્લા 35 વર્ષના ભાજપના શાસનમાં વિકાસના નામે મીંડું : ટીકુભાઈ વરૂ

રાજુલા શહેર સહિત 61 ગામોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમૃત-2 યોજના હેઠળ અંદાજે ₹45 કરોડના ખર્ચે પાણી પુરવઠાની યોજના મંજૂર કરવામાં આવી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે યોજનાને શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ કામગીરી પૂર્ણ થઈ નથી. *અંદાજે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં માત્ર 25 ટકા કામ બાકી હોવાથી સમગ્ર યોજના વર્ષોથી અટવાઈ પડી છે, જેના કારણે રાજુલા શહેર અને 61 ગામોના હજારો લોકો આજે પણ પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.*
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂએ જણાવ્યું હતું કે, *છેલ્લા 35 વર્ષથી આ વિસ્તારમાં ભાજપનું શાસન હોવા છતાં વિકાસના નામે મીંડું જ જોવા મળી રહ્યું છે*. સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ હકીકતમાં લોકોને પાણી જેવી પાયાની સુવિધા પણ સમયસર મળી રહી નથી. કરોડો રૂપિયાની યોજનાઓ જાહેર કરવી સરળ છે, પરંતુ તેને સમયસર પૂર્ણ કરીને લોકો સુધી તેનો લાભ પહોંચાડવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજુલા વિસ્તાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટોનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ થતો નથી. પરિણામે વિકાસના કામો વર્ષો સુધી અધૂરા રહે છે અને તેનો સીધો ભોગ સામાન્ય જનતાને બનવો પડે છે. ₹45 કરોડ જેવી મહત્વપૂર્ણ પાણી પુરવઠા યોજના આજે પણ અધૂરી રહેવી એ વહીવટી બેદરકારી અને સરકારની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.
*શ્રી વરૂએ જણાવ્યું હતું કે, રાજુલા શહેર સહિત 61 ગામોના લોકોએ વર્ષો સુધી ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને સતત સમર્થન આપ્યું, છતાં લોકોને વિકાસના નામે માત્ર વચનો જ મળ્યા છે. પીવાના પાણી જેવી જીવનજરૂરી સુવિધા માટે આજે પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.*
શ્રી ટીકુભાઈ વરૂએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને પાણી પુરવઠા મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે, આ સમગ્ર યોજનાની સત્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, કામમાં થયેલા વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, બાકી રહેલા તમામ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને રાજુલા શહેર સહિત 61 ગામોના લોકોને તાત્કાલિક નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.
સાથે જ તેમણે માંગણી કરી છે કે, રાજુલા તાલુકાને જે પ્રકારની અમૃત-2 પાણી પુરવઠા યોજના આપવામાં આવી છે, તેવી જ વ્યાપક પાણી પુરવઠા યોજના *જાફરાબાદ તાલુકાને પણ તાત્કાલિક મંજૂર કરવામાં આવે, જેથી જાફરાબાદ તાલુકાના ગામોના લોકોને પણ કાયમી ધોરણે પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળી શકે*.
અંતમાં શ્રી ટીકુભાઈ વરૂએ જણાવ્યું હતું કે, પાણી કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ લોકોના જીવન સાથે જોડાયેલો પાયાનો અધિકાર છે. સરકાર હવે વિકાસના ખાલી દાવા છોડીને જનતાને પરિણામ આપે. રાજુલા શહેર સહિત 61 ગામોની અધૂરી પાણી પુરવઠા યોજના તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને *જાફરાબાદ તાલુકાને પણ સમાન યોજના ફાળવવામાં આવે, તેવી અમારી સ્પષ્ટ અને મક્કમ માંગણી છે*.તેમ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુએ જણાવ્યું છે

Related Posts