સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં છેલ્લા લગભગ 15 દિવસથી ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ગટરનો મેનહોલ તૂટી જવાથી તેમજ લાઈન સંપૂર્ણ બ્લોક થઈ જવાના કારણે સ્થાનિક રહીશોને ભારે દુર્ગંધ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નહોતો.
આ બાબતની જાણ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાને થતા તેમણે તાત્કાલિક ગંભીરતા દાખવી શહેર ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ જે. રાઠોડને સ્થળ પર પહોંચીને સમસ્યા હલ કરવા સૂચના આપી હતી. ધારાસભ્યશ્રીની સૂચનાના પગલે શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો.
સ્થળ પર પહોંચી નગરપાલિકા દ્વારા જેસીબી, જેટિંગ મશીન અને બાઉઝર જેવા આધુનિક સાધનોની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્લોક થયેલી ગટર લાઈનને સાફ કરી, તૂટેલા મેનહોલનું સમારકામ હાથ ધરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ રાહત કામગીરી સમયે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી અતુલભાઈ કાપડિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી પરાગભાઈ તન્ના, દંડક શ્રી અરવિંદભાઈ મેવાડા, પક્ષના નેતા શ્રી દિનેશભાઈ રાઠોડ, પૂર્વ સદસ્ય શ્રી રમેશભાઈ ચૌહાણ, વોર્ડ નં. 9ના પ્રતિનિધિઓ શ્રી ધૃવિલભાઈ રાયચુરા, શ્રી અનિલભાઈ ગોહિલ, શ્રી રણછોડભાઈ ખીમાણીયા તેમજ નગરપાલિકાના એસ.આઈ. શ્રી કેતનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્યાનો ત્વરિત નિકાલ આવતા વોર્ડ નં. 9ના સ્થાનિક રહીશોએ ધારાસભ્યશ્રી તેમજ ભાજપ અને નગરપાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
















Recent Comments