બદલો એંગલ દિલના જનાબ,
ચહેરા પરના નહીં નકાબ,
માંગે છે હવે યુવા જવાબ,
માત્ર પોકળ આશ્વાસનો નહીં.
દેશે દુવાઓ ખોબલે ખોબલે
સાકાર થશે જ્યારે તેઓના ખ્વાબ
–“પાંધી સર”
હાલમાં દેશના રાજકારણમાં વિદ્યાર્થીઓ, યુવા પેઢી (Gen Z) અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. સંસદના ગૃહથી લઈને સોશિયલ મીડિયા સુધી નેતાઓ વચ્ચે આકરા વાગ્યુદ્ધ અને રાજકીય કટાક્ષો તીવ્ર બન્યા છે.
*”પ્રધાનમંત્રીએ કેમેરા નહીં, દિલનો એંગલ બદલવો પડશે”* – પ્રિયંકા ગાંધી
સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશની ‘જેન જી’ (નવી પેઢી) નો ભરોસો જીતવા માટે વડાપ્રધાને કેમેરાનો એંગલ નહીં પરંતુ પોતાના દિલનો એંગલ બદલવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનો ખાલી આશ્વાસનોથી નહીં પરંતુ સાચી દાનત અને નીતિથી પ્રભાવિત થાય છે.
લોકસભામાં રાહુલ ગાંધીના શબ્દોથી વિવાદ, તો કંગના રણૌતના નિવેદનની ચર્ચા
લોકસભામાં ભાષણ દરમિયાન કોંગ્રેસ નેતા *રાહુલ ગાંધી દ્વારા ‘અંધભક્ત’ અને ‘ઈડિયટ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા સંસદમાં ભારે વિવાદ સર્જાયો હતો.* બીજી તરફ, લોકસભામાં પ્રિયંકા ગાંધી, ડિમ્પલ યાદવ અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે લોકોનો રંધાયેલો અવાજ મક્કમતાથી રજૂ કર્યો હતો. વિપક્ષ તરીકે પ્રજાના મુદ્દાઓ વાચા આપવી સ્વાભાવિક છે.
આ દરમિયાન ભાજપ સાંસદ *કંગના રણૌત દ્વારા ‘જેન જી’ અને વિદ્યાર્થીનીઓને લઈને આપવામાં આવેલું પ્રેસ નિવેદન પણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.*
*”સરકાર પાડવા નહીં, ભરોસો બચાવવા આવ્યા છીએ”*
વિપક્ષી નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સરકાર પાડવાના કે રાજકીય રોટલા શેકવાના ઈરાદાથી નથી આવ્યા, પરંતુ દેશના યુવાનોનો લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થા પરથી ઉઠી રહેલો ભરોસો બચાવવા માટે લડી રહ્યા છે.
સાથે જ, સરકાર દ્વારા વિદ્યાર્થીઓની જે માંગણીઓ સ્વીકારવામાં આવી છે, તેને સરકારે ૧૦૦ ટકા નિભાવવી જોઈએ અને આપેલા વચનો પૂરા કરવા જોઈએ તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
*”માત્ર સરકાર બદલવી પૂરતી નથી, રાજકારણની રીત બદલવી પડશે” – ગીતાંજલી આંગ્મો*
આ સમગ્ર રાજકીય ખેંચતાણ વચ્ચે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોની ‘X’ (ટ્વિટર) પરની પોસ્ટે ભારે ધ્યાન ખેંચ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેને ટેગ કરીને દેશના વર્તમાન રાજકારણની વાસ્તવિકતા સામે અરીસો ધર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, “ભાજપના IT સેલે અમને રાષ્ટ્રવિરોધી કહ્યા, અને કોંગ્રેસના ટ્રોલ્સે અમને ભાજપની કઠપૂતળી કહ્યા.” તેમણે આગળ ઉમેર્યું કે, “ભારતમાં ફક્ત સરકાર બદલવી પૂરતું નથી; આપણે દેશમાં રાજકારણ ચલાવવાની રીત બદલવાની જરૂર છે.”
અંતમાં શિક્ષણ, પેપર લીક અને યુવાનોના ભવિષ્ય જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર હવે દેશમાં માત્ર રાજકીય આક્ષેપોને બદલે નીતિગત સુધારા અને સકારાત્મક રાજકારણની માંગ પ્રબળ બની રહી છે.
















Recent Comments