ગુજરાત

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરત માં અનોખું જળ-યોગ પ્રદર્શન

સુરત વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતમાં અનોખું જળ-યોગ પ્રદર્શન ઊંડા પાણીમાં 12 યોગાસનો કરી યુનિવર્સલ ફાઉન્ડેશનથી પ્રકાશકુમાર વેકરીયાએ શંખનાદ સાથે આપ્યો સાહસ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો સંદેશ.સુરત, તા. 21 જૂન 2026 વિશ્વ યોગ દિવસના અવસરે સમગ્ર ગુજરાત યોગમય બન્યું હતું. આ પ્રસંગે સુરતના જાણીતા તરણવીર, જીવનરક્ષક અને ડિઝાસ્ટર ટ્રેનર પ્રકાશકુમાર વેકરીયા દ્વારા કોજવે સુરત અને નાના વરાછા સ્થિત તરણકુંડમાં અનોખું જળ-યોગ (Water Yoga) પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ જ્યાં જમીન પર યોગાસનો કરી રહ્યું હતું, ત્યાં પ્રકાશકુમાર વેકરીયાએ તેમના ગૃપ સાથે  ઊંડા પાણીમાં વિવિધ યોગાસનો કરીને પોતાની આગવી પ્રતિભા, સાહસિકતા અને યોગ પ્રત્યેની સમર્પિત ભાવના રજૂ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન તેમણે શવાસન, ચક્રાસન, પદ્માસન, વિહંગાસન, પતંગાસન, પદ-શીર્ષાસન, શીર્ષાસન, તિરંગાસન, પર્વતાસન સહિત કુલ 12 જેટલા યોગાસનો પાણીમાં સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. પાણીમાં કરવામાં આવેલા આ યોગાસનો દર્શકો માટે રોમાંચક અને પ્રેરણાદાયી બન્યા હતા. ઉપસ્થિત નાગરિકો, યોગપ્રેમીઓ અને અધિકારીઓએ આ અનોખી રજૂઆતને વધાવી હતી.

પ્રકાશકુમાર વેકરીયા નદી, તળાવ અને સ્વિમિંગ પૂલ સહિત 30 થી 50 ફૂટ જેટલા ઊંડા પાણીમાં પણ યોગાસનો કરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. તેઓ છેલ્લા બે દાયકાથી સ્વિમિંગ, જીવનરક્ષા, આપદા વ્યવસ્થાપન અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે સક્રિય સેવાઓ આપી રહ્યા છે. કુશળ જીવનરક્ષક તરીકે તેમણે તાપી નદીમાંથી અનેક લોકોના જીવ બચાવ્યા છે. તેમના આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્ષ 2020માં તેમને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા “જીવન રક્ષા એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રકાશકુમાર વેકરીયા યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્થાપક છે તેમજ નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ), સુરતના અમરોલી ઝોનમાં ડિવિઝનલ વોર્ડન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ NDRFની વર્ષ 2025ની બેચમાં ટ્રેનર તરીકે તાલીમબદ્ધ થયા છે અને હાલમાં આપદા વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી, બિલ્ડિંગ સેફ્ટી, રેસ્ક્યૂ ઓપરેશન તથા નાગરિક સુરક્ષા સંબંધિત વિષયો પર વ્યાપક તાલીમ આપી રહ્યા છે.

તેમના નેતૃત્વ હેઠળ યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2009થી વિશ્વ શંખનાદ અભિયાનનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન સાથે અત્યાર સુધીમાં દેશભરમાં 15 લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. હાલમાં પણ નાના વરાછા તરણકુંડ ખાતે દરરોજ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શંખનાદની ગુંજ સાથે યોગ, આરોગ્ય અને રાષ્ટ્રજાગૃતિનો સંદેશ આપવામાં આવે છે.

વિશ્વ શંખનાદ અભિયાન અંતર્ગત સર્જાયેલા વિવિધ રેકોર્ડ્સ અને સિદ્ધિઓને દિલ્હી તથા ગુજરાત સ્તરના અખબારો અને મીડિયા માધ્યમોમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. આ અનોખી સાંસ્કૃતિક પહેલની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી હતી અને દુબઈ સરકાર દ્વારા ઈ-મેઈલ મારફતે તેની સત્તાવાર નોંધ લેવામાં આવી હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

પ્રકાશકુમાર વેકરીયાએ દુબઈમાં પ્રથમ “શંખઉદ્ઘોષક” તરીકે વિશિષ્ટ ઓળખ ઉભી કરી હતી અને ભારતીય સંસ્કૃતિ, યોગ તથા શંખનાદની પરંપરાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ સુરતના સ્વચ્છ ચેમ્પિયન (2021-22) તરીકે પણ સન્માનિત થઈ ચૂક્યા છે.

તાજેતરમાં મે અને જૂન મહિનામાં તેમણે ગુજરાતની 14 જેટલી યુનિવર્સિટીઓના અંદાજે 800 વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપી હતી. જેમાં ફાયર સેફ્ટી, સ્વચ્છ ભારત મિશન, આપદા વ્યવસ્થાપન, ડ્રગ્સ મુક્તિ અભિયાન, સાઇબર ક્રાઇમ જાગૃતિ અને સામાજિક જવાબદારી જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સલ ફાઉન્ડેશન ઉપરાંત ફાયર વિભાગ, પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ડોક્ટર્સ તથા અન્ય સહયોગી સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલા આ વિશિષ્ટ જળ-યોગ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, નાના વરાછા સ્વિમર ટીમ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશકુમાર વેકરીયાના આ અનોખા પ્રદર્શન દ્વારા યોગ, સ્વાસ્થ્ય, સાહસ, આત્મવિશ્વાસ, જીવનરક્ષા, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રજાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો. ઉક્તિ “યોગ, શંખનાદ અને સેવા – આ ત્રણેય ભારતીય સંસ્કૃતિના એવા સ્તંભો છે જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સશક્ત બનાવે છે.”  

Related Posts