આજના ઝડપી જીવનમાં ગુસ્સો એક સામાન્ય લાગણી બની ગઈ છે. બાળક હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિને કોઈ ને કોઈ કારણસર ગુસ્સો આવે છે. ઘણી વખત ગુસ્સામાં વ્યક્તિ એવા શબ્દો બોલી જાય છે કે જેનાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. જોકે, જો ગુસ્સો આવે તે પહેલાં થોડું વિચારી લેવામાં આવે તો તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. મનોવૈજ્ઞાનિક રશ્મિબા જાડેજાના જણાવ્યા અનુસાર “THINK” નામની એક સરળ એક્સરસાઇઝ ગુસ્સાને રોકવામાં ખૂબ મદદરૂપ બની શકે છે.
રશ્મિબા જાડેજા એ જણાવ્યું કે લલ્લુભાઈ અરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે સેવા આપે છે જેઓ એ જણાવ્યું કે ગુસ્સો દરેક વ્યક્તિને અલગ-અલગ પરિસ્થિતિમાં અને અલગ-અલગ રીતે આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગુસ્સો આવવા લાગે ત્યારે તેને ઓળખવો જોઈએ. પોતાની જાતને પૂછવું જોઈએ કે જે વાત માટે ગુસ્સો આવી રહ્યો છે, શું તે ગુસ્સા વગર પણ કહી શકાય છે? જો તેનો જવાબ હા હોય તો ગુસ્સો કરવાને બદલે શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેઓ જણાવે છે કે ગુસ્સો આવે તે પહેલાં “THINK” શબ્દના દરેક અક્ષરનો અર્થ સમજવો અને તેના આધારે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ.
T – True (સાચું છે?)
સૌથી પહેલા પોતાની જાતને પૂછવું જોઈએ કે જે બાબત માટે હું ગુસ્સે થઈ રહ્યો છું, શું તે ખરેખર સાચી છે? ઘણી વખત આપણે અધૂરી માહિતી અથવા ગેરસમજના આધારે ગુસ્સે થઈ જઈએ છીએ. જો જવાબ ‘ના’ હોય તો ગુસ્સો કરવાની જરૂર રહેતી નથી.
H – Helpful (મદદરૂપ છે?)
પછી વિચારવું જોઈએ કે ગુસ્સો કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થશે કે નહીં? શું તે પરિસ્થિતિને સુધારવામાં મદદરૂપ બનશે? જો જવાબ ‘ના’ હોય તો ગુસ્સો કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે છે.
I – Inspiring (પ્રેરણાદાયક છે?)
પોતાની જાતને પૂછવું જોઈએ કે મારું વર્તન અને મારા શબ્દો કોઈને પ્રેરણા આપશે કે નહીં? ગુસ્સો સામાન્ય રીતે નકારાત્મક અસર કરે છે, જ્યારે શાંતિપૂર્ણ વાતચીત સકારાત્મક પરિણામ લાવી શકે છે.
N – Necessary (જરૂરી છે?)
છેલ્લે વિચારવું જોઈએ કે આ સમયે ગુસ્સો કરવો ખરેખર જરૂરી છે? ઘણી વખત સમય જતાં સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય છે. જો ગુસ્સો કરવાની જરૂર ન હોય તો તેને ટાળવો વધુ યોગ્ય છે.
આ ચાર પ્રશ્નોના જવાબ જો ‘ના’માં મળે તો વ્યક્તિનો ગુસ્સો ઘણો ઓછો થઈ શકે છે અથવા સંપૂર્ણપણે શાંત થઈ શકે છે. આ એક્સરસાઇઝ વ્યક્તિને પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે અને સંબંધોને પણ મજબૂત બનાવે છે.
મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ તેને કેવી રીતે વ્યક્ત કરવો તે આપણા હાથમાં છે. કોઈ વ્યક્તિ સામે ગુસ્સો કરવા કરતાં શાંતિ, ધીરજ અને પ્રેમથી પોતાની વાત રજૂ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ વધુ સરળતાથી આવી શકે છે.
ગુસ્સો આવે તે પહેલાં એક ક્ષણ રોકાઈને “THINK” કરો. કદાચ એ એક ક્ષણ તમારા સંબંધો, તમારી શાંતિ અને તમારા જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવી શકે છે.


















Recent Comments