વિકાસની ગુલાબી વાતો વચ્ચે,
આ પાણીમાં ડૂબતી તસવીર જુઓ,
દર વર્ષે એ જ હાડમારી,
શું આ જ છે પ્રજાની તકદીર જુઓ!
હ્રદયમાં આક્રોશનો ઉકળાટ છે,
છતાં પણ હોઠો પર મૌન છે,
વાયદાઓ કરતી સરકારો સામે,
હેરાન થતો આ અમીર જુઓ!
–“પાંધી સર”
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતાં પાણી પાણી જેવી સ્થિતિ સર્જાય છે. અમુક રસ્તાઓ તો જાણે સ્વિમિંગ પુલ બની જાય છે..! અને ઘૂંટણસમા પાણીમાં વાહનો અટવાઈ પડે છે. માસુમ વિદ્યાર્થીઓને ખભે બેસાડીને ઝાડી-વાવાઝોડા અને પાણીમાંથી રસ્તો કાપતા વાલીઓનું દ્રશ્ય વાસુદેવજીના કૃષ્ણ જન્મોત્સવ વખતે યમુના પાર કરવાની યાદ અપાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે પરમ શક્તિ પરમાત્માની વ્હારે તો કુદરત હતી, આ સામાન્ય ‘માટીપગા માનવી’ની વ્હારે કોણ આવશે?
દર વર્ષે કરોડો રૂપિયાના ડ્રેનેજ અને રોડ-રસ્તાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ થોડાક ઈંચ વરસાદમાં જ વિકાસના તમામ દાવાઓનું ધોવાણ થઈ જાય છે. જનતાના હૃદયમાં આ અવ્યવસ્થા સામે અનહદ ઉકળાટ અને આક્રોશ છે, પરંતુ તે માત્ર પોતાના સ્નેહીજનો પાસે મનનો ભાર હળવો કરવા પૂરતો જ સીમિત રહી જાય છે. ચૂંટણી સમયે “અબ કી બાર…” જેવા લોભામણા વાયદાઓ થાય છે, પણ સત્તા મળ્યા પછી ફરી એ જ નીચાણવાળા વિસ્તારો અને એ જ હાડમારીઓ નાગરિકોના નસીબે આવે છે.
સમસ્યાનો કાયમી અને લાંબા ગાળાનો ઉકેલ જરૂરી છે
ડ્રેનેજ સિસ્ટમનું રિ-એન્જિનિયરિંગ: જૂની અને સાંકડી ગટર લાઈનો બદલીને વધતી વસતી અને વરસાદના પ્રવાહ મુજબ નવી માસ્ટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવી.
જવાબદેહી નક્કી કરવી (Accountability): ભ્રષ્ટાચાર રોકવા માટે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને મંજૂરી આપનાર એન્જિનિયર પર કડક દંડ અને જવાબદારી નક્કી કરવી.
તળાવો અને કુદરતી કાંસ પર થયેલાં દબાણો હટાવી પાણીના નિકાલના કુદરતી માર્ગો ખુલ્લા કરવા. કાગળ પર થતી સફાઈના બદલે થર્ડ-પાર્ટી ઓડિટ અને સેટેલાઈટ મેપિંગ દ્વારા પાણી ભરાતા સ્પોટ્સ (Waterlogging hotspots) પર પહેલાથી કામગીરી કરવી.

















Recent Comments