એક તરફ જ્યારે શહેરને સ્માર્ટ બનાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાવરકુંડલાના મુખ્ય એવા હાથસણી રોડ પર આવેલ ખોડીયાર ચોક નજીકના વિસ્તારમાં તંત્રની ઉઘાડી બેદરકારી સામે આવી રહી છે. આ વિસ્તારમાં ચોમાસા વગર જ જાહેર રોડ પર સવારે ૮ થી ૯ વાગ્યાના સમયગાળા દરમિયાન પાણીના રેલા વહેતા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી આ ઘટના વારંવાર બની રહી છે. સવારના સમયે જ્યારે લોકો નોકરી, ધંધે કે બાળકો શાળાએ જતા હોય ત્યારે જ જાહેર રોડ પર પાણી ફરી વળે છે. આ વહેતું પાણી પીવાના શુદ્ધ પાણીની લાઈનનું લીકેજ છે, ગટરના ઊભરાતા પાણી છે કે પછી કોઈ ઘરમાંથી બહાર ફેંકાતું પાણી છે તે તો તપાસનો વિષય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વગર વરસાદે પાણી રોડ પર વહી રહ્યું છે અને પ્રજાનું આરોગ્ય તથા રોડની સ્થિતિ જોખમમાં મુકાઈ રહી છે.
*પેપર લીકેજની જેમ ‘વોટર લીકેજ’ પણ ઉકેલો!*
સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જેમ સરકારી પરીક્ષાઓમાં પેપર લીકેજ ચર્ચાનો વિષય બને છે, તેમ આ વિસ્તારમાં પાણી ક્યાંથી અને કેમ લીકેજ થઈ રહ્યું છે તે પણ એક ગંભીર તપાસનો વિષય છે. જો આ પીવાનું પાણી હોય તો તેનો મોટો બગાડ થઈ રહ્યો છે અને જો ગટરનું પાણી હોય તો રોગચાળો ફેલાવાનો ભય છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આપણે જ્યારે શહેરને સુવિધાસભર અને ‘સ્માર્ટ’ બનાવવાની અપેક્ષાઓ રાખતા હોઈએ, ત્યારે આવી પ્રાથમિક સમસ્યાઓ જાહેર રોડ પર અવરોધરૂપ બને તે યોગ્ય નથી. સવારના સુમારે વહેતા આ પાણીના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે.
આમજનતા અને સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લઈ તપાસ કરે, લીકેજ શોધીને તેને બંધ કરાવે અને રોડ પર વહેતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
















Recent Comments