ગુજરાત

જન્મના દાખલા મામલે કોંગ્રેસ કોર્પોરેટરે ગાંધીનગર મનપાના કર્મચારીને તમાચો ઝીંક્યો

ગુજરાતના પાટનગર સમા ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીને શુક્રવારે સવારે કોંગ્રેસના કોર્પોરેટરે તમાચો ઝીંકી દેતાં મામલો વણસ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાે કે કોંગ્રેસના આગેવાનોએ ત્યાં પહોંચી જઈને કર્મચારીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને કર્મચારીને સમજાવીને અરજી પાછી ખેંચાવડાવી હતી. મ્યુનિ. ના સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર મહા નગરપાલિકાના ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્ર આવેલું છે. અહીંયા જન્મ-મરણના દાખલા આપવાની કામગીરી સબ-રજિસ્ટ્રાર જશવંતભાઈ પંચાલ સંભાળે છે. શુક્રવારે સવારે ઓફિસ શરૂ થયાના થોડા સમય બાદ જશવંતભાઈને કોંગ્રેસના કોર્પોરેટર ચિમનભાઈ વિંઝુડાએ ફોન કર્યો હતો. પોતાના એક પરિચિતને જન્મનો દાખલો માત્ર અંગ્રેજી ભાષામાં આપવા માટે તેમણે સબ-રજિસ્ટ્રારને સૂચના આપી હતી.
સબ રજિસ્ટ્રાર પંચાલે જવાબમાં કહ્યું હતું કે, સરકારના નિયત પરફોર્મા પ્રમાણે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં દાખલો આવશે. પરફોર્મા મુજબનો દાખલો જ આપી શકાશે તેવો જવાબ સાંભળીને ચિમનભાઈ ઉશ્કેરાયા હતા, સબ-રજિસ્ટ્રાર પંચાલે ફોન કટ કરતાં ચિમનભાઈ તરત જ તેમની પાસે આવ્યા હતા અને ઉશ્કેરાટમાં બોલાચાલી શરૂ કરી હતી. જે બાદમાં તેમણે સબ-રજિસ્ટ્રારને તમાચો ઝીંકી દીધો હતો. જેના કારણે મ્યુનિ. સંકુલમાં દોડોદોડી થઈ ગઈ હતી અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
આ ઘટના બની ત્યારે મ્યુનિ. સંકુલમાં અરજદારો મોટી સંખ્યામાં હાજર હતા અને બીજી બાજુ મ્યુનિ. કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાતુ હતું. સબ-રજિસ્ટ્રાર સાથે બનેલી આ ઘટના અંગે જાણ થતાં મ્યુનિ. કમિશનર અને ડેપ્યુટી કમિશનર તરત જ હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર હકીકત જાણીને સબ-રજિસ્ટ્રાને પોલીસ ફરિયાદ કરવા મંજૂરી આપી હતી. સબ-રજિસ્ટ્રાર પોતાના સહકર્મચારીઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા સેક્ટર-૭ પોલીસ મથકમાં પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. મ્યુનિ. વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા તથા અન્ય અગ્રણીઓએ સબ-રજિસ્ટ્રારને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા. શરૂઆતમાં તેઓ મક્કમ રહ્યા હતા અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ મથકમાં અરજી આપીને ફરિયાદ નોંધવા માટે માગણી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ તેમને સમજાવીને સમાધાન માટે સંમત કરી દીધા હતા અને અરજી પાછી ખેંચાવી હતી.

Follow Me:

Related Posts