અમરેલી શહેરમાં અંદાજિત રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓ કાર્યરત બન્યા બાદ શહેરી, ગ્રામ્ય તથા જિલ્લાના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે અને એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.
વર્તમાન સમયમાં વિવિધ વહીવટી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હોય છે, જેના કારણે સમય અને શ્રમનો વ્યય થતો હોય છે. નવા સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી જમીન દસ્તાવેજોની નોંધણી, આવક-જાતિ સહિતના પ્રમાણપત્રો, મહેસૂલ સંબંધિત અરજીઓ, જમીન રેકોર્ડ અને અન્ય વહીવટી કામગીરી માટે નાગરિકોને એક જ સ્થળે સુવિધા પ્રાપ્ત થશે.
આ સુવિધાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, ખેડૂતો, વકીલો, અરજદારો અને વિવિધ સેવાઓ માટે આવતા નાગરિકોને કચેરીઓ વચ્ચે ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. વિવિધ વિભાગોની સેવાઓ નજીકમાં ઉપલબ્ધ બનતાં કામગીરી વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સુલભ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. વિવિધ વહીવટી સેવાઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે અને ‘સરકાર તમારા દ્વારે’ની ભાવનાને વધુ બળ મળશે.
આધુનિક સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી અમરેલી જિલ્લામાં વહીવટી સેવાઓના માળખામાં ગુણાત્મક સુધારો થશે તેમજ નાગરિક કેન્દ્રિત સુશાસનના લક્ષ્યને વધુ મજબૂતી મળશે.
નવા સંકુલમાં નાગરિકલક્ષી અભિગમને કેન્દ્રમાં રાખીને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાર્કિંગ શેડ, હરિયાળું ગાર્ડન, આધુનિક અગ્નિશમન વ્યવસ્થા તેમજ સુવ્યવસ્થિત પરિસર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. પર્યાવરણલક્ષી માળખાકીય સુવિધાઓ સાથે આ સંકુલ ભવિષ્યલક્ષી અને આધુનિક વહીવટી કેન્દ્ર તરીકે વિકસશે.
આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી, વૈશાલી બહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટ, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, પ્રાંત અધિકારીશ્રી અમરેલી, મહેશ નાકિયા, મામલતદારશ્રી ગ્રામ્ય, સબ રજિસ્ટ્રારશ્રી અમરેલી, અગ્રણી સર્વેશ્રી, અતુલભાઈ કાનાણી, મયૂરભાઈ માંજરિયા, વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યશ્રીઓ, નિર્માણ થનારી કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments