રાજ્ય સરકારની સૂચના મુજબ આગામી જૂન માસને ‘મેલેરિયા વિરોધી માસ’ તથા જુલાઈ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવા માટે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા વાહકજન્ય રોગ નિયંત્રણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં વાહકજન્ય રોગોની વર્તમાન પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને તેમના કાર્યક્ષેત્ર મુજબ અસરકારક અને સમયબદ્ધ પગલાં લેવા સૂચના આપી હતી.
આંતરશાખાકીય સંકલન દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિવિધ વિભાગોની ભૂમિકા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ, સ્વચ્છતા જાળવવા, મચ્છર ઉત્પત્તિના સંભવિત સ્થળોનો નાશ કરવા તેમજ જનજાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો, સર્વેલન્સ કામગીરી તથા નિવારક પગલાંઓને વધુ વેગ આપવામાં આવશે, જેથી વાહકજન્ય રોગોના કેસોમાં ઘટાડો લાવી શકાય અને જન આરોગ્યનું રક્ષણ સુનિશ્ચિત થઈ શકે.


















Recent Comments