રાજકોટમાં કોરોના પોઝીટીવિટી રેશિયો ૨૯ ટકા થયો
રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું.રાજકોટ શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૧૩૩૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી લહેર પીક પર હતી ત્યારે પણ ૨૦ એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધુ ૭૬૪ પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે.
ગઈકાલે ગોંડલમાં ૩૭, જેતપુરમાં ૩૬, ધોરાજીમાં ૧૬, ઉપલેટામાં ૧૫ , રાજકોટ તાલુકામાં ૬, લોધીકા-જામકંડોરણામાં ૩, કોટડાસાંગાણીમાં બે વર્ષની બાળકી સહિત ૪ કેસ નોંધાયા છે. જ્યારે -જસદણમાં ૪ અને પડધરીમાં ૧ કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં ૭૭૭ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫૩ સંક્રમિતો નોંધાઇ ચુકયા છે.
રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન ૩૭૪૦૯ ટેસ્ટ કરાયા હતા અને તેમાં ૪૦૧૬ પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ ૧૦ ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર ૧૦ ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે પણ મંગળવારે જે કેસ જાહેર થયા છે તેમાં ૪૫૦૦ ટેસ્ટમાંથી ૧૩૩૬ વ્યક્તિ પોઝિટિવ નીકળ્યા છે જે ૨૯ ટકા કરતા વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. સરળભાષામાં દર ૧૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિ પોઝિટિવ નીકળે છે અને દર ત્રીજાે વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે પણ ટેસ્ટની સંખ્યા વધારાતી નથી.
Recent Comments