અરીસો બનીને એ સિસ્ટમનો,
હર વેદનાને વાચા આપે છે,
જ્યારે કાગળિયામાં ગૂંચવાય દુનિયા, ત્યારે
અખબાર જ ન્યાયનો રસ્તો કાપે છે.
– પાંધી સર
લોકશાહી શાસનવ્યવસ્થામાં અખબાર માત્ર સમાચાર આપવાનું સાધન નથી, પરંતુ તે સિસ્ટમનો એક જીવતો જાગતો અરીસો છે. વહીવટી પારદર્શિતા ક્યાં ખોરવાઈ રહી છે અને તંત્ર ક્યાં ચૂક કરી રહ્યું છે, તેનો સચોટ ચિતાર અખબાર જ જનતા અને શાસકો સામે લાવે છે. ઘણીવાર તો એસી ચેમ્બરોમાં બેઠેલા અમલદારોના કાન સુધી ન પહોંચતો પ્રજાનો અવાજ જ્યારે અખબારની હેડલાઈન બને છે, ત્યારે માનનીય અદાલતો પણ તેની ગંભીરતા સમજીને ‘સૂઓમોટો’ (સ્વતઃ સંજ્ઞાન) લઈ અદાલતી કાર્યવાહી હાથ ધરે છે. આ જ બાબત સાબિત કરે છે કે લોકશાહીમાં અખબારનું સ્થાન કેટલું સર્વોપરી છે.
ઓફિસ-ઓફિસ જેવી લાલફીતાશાહીથી કંટાળીને લોકો કેમ લે છે મીડિયાનો સહારો?
આજે પણ આમ જનતા સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી અને કાગળિયાની ગૂંચવણોથી ડરે છે. એક ટેબલથી બીજા ટેબલે ભટકતી ફાઈલો અને વર્ષો સુધી ન આવતા ઉકેલને કારણે સામાન્ય નાગરિક મનોમન એક અજ્ઞાત ભય અનુભવે છે. *અગાઉના સમયની પ્રખ્યાત સિરિયલ ‘ઓફિસ ઓફિસ’ જેવી પરિસ્થિતિનો સામનો આજે પણ પ્રજાએ કરવો પડે છે.*
જ્યારે જાગૃત નાગરિકો જનહિત માટે લેખિત રજૂઆતો કરે છે, ત્યારે કાં તો એ ફાઈલો સરકારી તંત્રના ચોપડે દબાઈ જાય છે અથવા તો પરિણામ શૂન્ય પણ મળે.. અંતે થાકી-હારીને લોકોએ કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. જો સિસ્ટમ પોતે જ સુચારુ રૂપે ચાલતી હોત, તો સામાન્ય માણસને અદાલત સુધી જવાની જરૂર જ શા માટે પડત? આ એક મોટો સવાલ છે.
ડર વગર અવાજ ઉઠાવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ
અનેક એવા લોકો છે જેઓ વહીવટી પજવણીના ડરે પોતાનું નામ જાહેર કરવા નથી માગતા, પરંતુ જાહેર સમસ્યાઓને ઉજાગર કરવા ઈચ્છે છે. આવા સંજોગોમાં અખબાર તેમની ઢાલ બને છે. લોકોનું નામ ગુપ્ત રાખીને તેમની વેદનાને વાચા આપવાનું અને તંત્રને પગલાં લેવા મજબૂર કરવાનું કામ પ્રેસ સખત રીતે કરી રહ્યું છે. લોકશાહીના આ ચોથા સ્તંભ પર જનતાને આજે પણ એટલો જ અતૂટ ભરોસો છે.
પ્રેસની તાકાત: સલ્તનતના કાંગરા ખરી પડે છે!
ઇતિહાસ સાક્ષી છે કે જો અખબારી આલમ ધારે તો સત્તાના સિંહાસનો પણ ડોલી ઉઠે છે. જો પ્રેસમાં આ તાકાત ન હોત, તો દેશમાં કટોકટી (ઇમરજન્સી) દરમિયાન અખબારો પર સેન્સરશિપ લાદવાની જરૂર જ ન પડી હોત. સરકારો પણ જાણે છે કે ચોથો સ્તંભ જો ધારે તો ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. આજે ભલે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા જેવા મજબૂત પ્લેટફોર્મ આવ્યા હોય, પણ મૂળભૂત હેતુ એ જ રહ્યો છે – પ્રજાના પ્રશ્નોને અવાજ આપવો.
જ્યારે કોઈ ગંભીર લોકપ્રશ્ન અખબાર કે સોશિયલ મીડિયામાં ગાજે છે, ત્યારે *જનપ્રતિનિધિઓ (નેતાઓ) પણ મૂકપ્રેક્ષક બની શકતા નથી. તેમને પણ જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો ઉકેલવા માટે દોડવું પડે છે. તંત્ર અને સત્તામાં બેઠેલા લોકોની ભૂલોને ઉઘાડી પાડવા અને સમાજમાં ન્યાય અપાવવા માટે અખબાર, ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા આજે પણ એટલા જ સક્ષમ અને સબળ માધ્યમો સાબિત થઈ રહ્યા છે.*




















Recent Comments