વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના ૨૦ રાજ્યોમાં આવેલા ૭૫ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આશરે રૂ.૧,૫૭૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલા આ સ્ટેશનો વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુનર્વિકાસ કાર્યક્રમોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યા છે. આ યાદીમાં પોરબંદર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.
આ અવસરે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ બિલ્ડિંગમાં આધુનિક સુધારા-વધારા કરવામાં આવ્યા છે. તેમણે દેશની રેલવે પ્રણાલીમાં આવેલા વ્યાપક પરિવર્તનનો શ્રેય વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વને આપતાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તમામ ટ્રેનોની સ્પીડમાં ૧૦% જેટલો વધારો કરવામાં આવ્યો છે, દેશમાં અત્યાધુનિક વંદે ભારત ટ્રેનો શરૂ કરાઈ છે અને રેલવેના જૂના ડબ્બાઓના સ્થાને વર્લ્ડ ક્લાસ આધુનિક LHB ડબ્બાઓ કાર્યરત કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોતાના વ્યક્તિગત અનુભવો વગોળતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષથી આ રેલવે સ્ટેશનથી અઠવાડિયામાં બે વખત મુસાફરી કરી રહ્યા છે. આ દીર્ઘકાલીન પ્રવાસના અનુભવને આધારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રેલવેમાં અત્યાર સુધીમાં અભૂતપૂર્વ અને ધરખમ પરિવર્તનો આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો એકવાર રેલવેની મુસાફરીનો અનુભવ મેળવી લે છે, તેઓ પછી પ્લેન, બસ કે પોતાની ગાડીના બદલે રેલવેના પ્રવાસને જ પ્રથમ પસંદગી આપે છે, કારણ કે રેલવેની સવારી એ મધ્યમ વર્ગ અને આરામદાયક મુસાફરી ઈચ્છતા તમામ લોકો માટે દેશમાં સૌથી સલામત, સસ્તી અને ઉત્તમ વ્યવસ્થા છે.
મંત્રીશ્રીએ પોરબંદરના ભવિષ્યના રેલવે વિકાસના આયોજનો અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોરબંદર સ્ટેશન પર હાલ એક જ પીટ લાઇન હોવાથી નવી ટ્રેનો શરૂ કરવામાં પડતી મુશ્કેલીના નિવારણ માટે રાણાવાવ સ્ટેશન ખાતે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવો કોચ મેન્ટેનન્સ અને વોશિંગ યાર્ડ બનાવવાનું ટેન્ડર થઈ ગયું છે અને તેની જમીન સંપાદનની પ્રક્રિયા પણ ગતિમાં છે. આ ડેપો તૈયાર થતાં જ પોરબંદરને વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે અને અન્ય સ્ટેશનોથી આવતી ટ્રેનોને પણ પોરબંદર સુધી લંબાવી શકાશે. આ ઉપરાંત તેમણે પોરબંદર સ્ટેશનથી બંદર સુધી ટ્રેન લંબાવવાનો સર્વે પૂર્ણ થયો છે અને સાપુરથી સરાડીયા-કુતિયાણા થઈ વાંસજાળિયા સુધીની જૂની લાઇનના સ્થાને નવી બ્રોડગેજ લાઇન માટે સર્વેનું કામ ચાલુ હોવાની માહિતી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના નામને શોભે તેવું એરપોર્ટ જેવું આધુનિક અને ભવ્ય રેલવે સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધીમાં મંજૂર થવાની સંભાવના છે. રેલવે સ્ટેશનના આ ભવ્ય વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત તેને સીધો સરદાર પટેલ રોડ સાથે જોડી શકાય તે માટે મહાનગરપાલિકાના મોટા ભવનની જમીન અન્ય જગ્યાએ આપવાની દરખાસ્ત મંજૂરી મળી છે અને મહાનગરપાલિકાની બિલ્ડિંગની જમીન રેલવેને સોંપવામાં આવશે.
અંતમાં, રેલવે મુસાફરીને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે સૌથી સલામત, સસ્તી અને આરામદાયક ગણાવીને મંત્રીશ્રીએ લોકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આ સમગ્ર વિકાસ કાર્યો માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને રેલવેના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગર ડિજિઝન ડીઆરએમ શ્રી દિનેશ વર્મા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજનો દિવસ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો દિવસ છે. પૂજ્ય બાપુની જન્મ ભૂમિ આજે એક નવા યુગમાં પ્રવેશી રહી છે સાથે સાથે ‘વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવનાને સાકાર કરી રહ્યો છે.
આ પ્રસંગે ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને વિવિધ સાંકૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર અને વાસ્તુકળાને પ્રતિબિંબિત કરતી આધુનિક ડિઝાઇન સાથે વિકસાવવામાં આવ્યું છે. મુસાફરોને વિશ્વસ્તરીય અને યાત્રી-અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વિશાળ પ્રતીક્ષાલય, સુવ્યવસ્થિત પાર્કિંગ, દિવ્યાંગજન-મૈત્રી સુવિધાઓ, આધુનિક મુસાફર સુવિધાઓ તથા સુરક્ષા વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
સ્ટેશનના વિકાસમાં જળ સંરક્ષણ, સૌર ઊર્જાનો ઉપયોગ અને હરિત ક્ષેત્રોના વિકાસ જેવા પર્યાવરણલક્ષી તત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવનાને સાકાર કરતું આ સ્ટેશન સ્થાનિક ઓળખને જાળવી રાખીને આધુનિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનથી પર્યટન, વેપાર, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે તેમજ શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ સિટી સેન્ટર તરીકે પણ તે ઊભરી આવશે. આ યોજના પોરબંદરને વધુ સુવિધાસભર, આધુનિક અને વિકાસલક્ષી પરિવહન માળખું પ્રદાન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા,પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલ ઓડેદરા,મહાનગરપાલિકાના મેયર શ્રી સાગર મોદી,
જિલ્લા પોલીસ વડા શ્રી બી.યુ જાડેજા,મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ,ડેપ્યુટી મેયર મનીષ શિયાળ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, મહામંત્રી સર્વ શ્રી પ્રવીણ ખોરવા,પ્રવીણ ઓડેદરા, રામભાઈ કરગઠિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી લક્કિરાજ વાળા સહિતના અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.




















Recent Comments