ગુજરાત

ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સહકારી-સામાજિક હોદ્દેદારોનો કોંગ્રેસ પ્રવેશ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ શ્રી નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ  ટંકારા, પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વાઈસ ચેરમેન મયુર જીલ્લા દૂધ સંઘ, ડીરેક્ટર નસીલપર સહકારી મંડળી), શ્રી લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), શ્રી ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), શ્રી રાજુભાઈ કોટડીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં હાર્દિક આવકાર આપ્યો હતો.

નવા જોડાયેલા સાથીઓને આવકારતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ તમામ સાથીઓ કોઈ હોદ્દા, સત્તા કે પદની લાલચ માટે નહીં પરંતુ પ્રજા પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે લડવા માટે વિપક્ષ તરીકે કોંગ્રેસમાં આવ્યા છે. ભાજપમાં આજે સાચો માણસ સાચી વાત કહી શકતો નથી અને જનતાની સાચી લડાઈ લડવા માટે ત્યાં કોઈ સમર્થન મળતું નથી. સત્તા પર બેઠેલા લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય જનતાને અન્યાય કરી રહ્યા છે અને ચૂંટણી સમયે ટિકિટોની વહેંચણીમાં પણ ભારે ભેદભાવ રાખવામાં આવે છે, જેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ભારે અસંતોષ વ્યાપેલો છે.

આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી વીજળીના ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે અને જો ખેડૂતો કે બહેન-દીકરીઓ તેની સામે અવાજ ઉઠાવે તો પોલીસ તેમને ઢસડી ઢસડીને લાઠીચાર્જ કરે છે અને જેલમાં પૂરે છે, છતાં ભાજપનો કોઈ નેતા અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવાને બદલે આ સરકાર અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં વ્યસ્ત છે. વર્ષોથી ખોટી જમીન માપણીના પ્રશ્નો ઉકેલાયા નથી, ખેડૂતોને ખાતર અને બિયારણ માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, પાકના પૂરતા બજારભાવ મળતા નથી અને કુદરતી આફતો વખતે કોઈ કાયમી પાક વીમા યોજના કે આર્થિક રક્ષણ સરકાર આપતી નથી.

સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમા સહકારી માળખાના પતન અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી અમિત ચાવડાએ કહ્યું કે, પૂજ્ય સરદાર સાહેબે “વિના સહકાર નહીં ઉદ્ધાર” ના ઉદ્દેશ સાથે જે ભવ્ય સહકારી વ્યવસ્થા ઊભી કરી હતી, તેને ભાજપના નેતાઓએ સત્તાના સ્વાર્થ માટે રાજકારણનો અડ્ડો બનાવી દીધી છે. અમૂલ, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ગામડાની નાની મંડળીઓમાં પહેલા પક્ષ કે જ્ઞાતિ જોયા વગર લોકહિતનું કામ થતું હતું, જ્યારે આજે ત્યાં એટલો મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ વ્યાપી ગયો છે કે આ માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે. સરકારી ખરીદીમાં ભાજપના એજન્ટોનો ખરાબ અને ભેજવાળો માલ પાસ થઈ જાય છે, જ્યારે ૨૪ કલાક લાઈનમાં ઊભેલા સાચા ખેડૂતનો વારો આવે ત્યારે ખરીદી બંધ કરી દેવાય છે.

શ્રી અમિતભાઈ ચાવડાએ પક્ષમાં જોડાનાર તમામ કાર્યકરોને ખાતરી આપી હતી કે કોંગ્રેસમાં દરેકનું માન-સન્માન જળવાશે અને સંગઠનમાં યોગ્ય સ્તરે કામ કરવાની પૂરી તક અપાશે. તેમણે જનતાને આહ્વાન આપતા જણાવ્યું હતું કે, આ તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે આપણે સૌ સાથે મળીને લડીશું અને આદરણીય રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં જનતાના આક્રોશને વાચા આપીને ગુજરાતમાં ૧૦૦ ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું.

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્યશ્રી જાવેદ પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, મહામંત્રીશ્રી હિમાંશુ પટેલ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખશ્રી પુષ્પરાજસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાનો શ્રી રાજુભાઈ આહીર, શ્રી રમેશભાઈ આહીર, શ્રી સંજયભાઈ લાખાણી, શ્રી આનંદ રાજા, શ્રી કૃષ્ણદત્ત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts