ભાવનગર

શિહોર તાલુકાના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સૌજન્યથી નિર્મિત ‘મંજુલાસરોવર’નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ

શિહોર તાલુકાના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સમાજસેવી શ્રી અનુભાઈ તેજાણીના સૌજન્યથી
નિર્મિત ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે તથા ઊર્જા અને
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
શ્રી ડી.બી. તેજાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.
પાટીલે જણાવ્યું હતું કે, જળ સંચય માત્ર સરકારી યોજના નથી, પરંતુ જનભાગીદારીથી સફળ બનતું રાષ્ટ્રવ્યાપી
અભિયાન છે. પાણીનું સાચું મૂલ્ય સૌથી વધુ મહિલાઓ સમજે છે. આથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
જળ જીવન મિશનથી લઈને સ્વચ્છ ભારત મિશન સુધીની વિવિધ યોજનાઓમાં મહિલાઓને કેન્દ્રસ્થાને સ્થાન
આપવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, જળ જીવન મિશન અંતર્ગત દેશમાં અત્યાર સુધી ૧૬ કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા
પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૮ના અંત સુધી બાકીના અંદાજે ૩ કરોડ ઘરોમાં
પણ નળ જોડાણ પૂર્ણ કરવાનો સરકારનો સંકલ્પ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જળ સંચયથી જનભાગીદારી અને
જનભાગીદારીથી જનઆંદોલન’નો મંત્ર આપ્યો છે. વરસાદનું એક-એક ટીપું જમીનમાં ઉતરે તે માટે સરકારની સાથે
સમાજે પણ પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે. દરેક પરિવાર પોતાના ઘરના ધાબા પરથી વરસતા વરસાદી
પાણીને રિચાર્જ પિટ દ્વારા જમીનમાં ઉતારે, ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળ સંચયનાં
માળખાં ઊભાં કરે અને ગામનું પાણી ગામમાં જ રોકાય તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. પાણીનો ઉપયોગ
કરવાનો જેટલો અધિકાર છે, એટલી જ જવાબદારી તેને પુનઃ ધરતીને પરત આપવાની પણ છે, તેમ તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજના સેવાભાવી આગેવાનો દ્વારા જળ
સંચય માટે થઈ રહેલા પ્રયાસો સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે. સરકારની યોજનાઓ સાથે સમાજશક્તિ જોડાય ત્યારે

જ સાચા અર્થમાં જળ ક્રાંતિ સર્જી શકાય છે. તેમણે ઉપસ્થિત સૌને પોતાના ઘર, ખેતર અને ગામમાં વરસાદી પાણીનો
સંગ્રહ કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ ખાસ કરીને મહિલાઓને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ
દ્વારા પાણીનું સંવર્ધન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આવતી પેઢીને સંપત્તિ કરતાં વધુ પાણીનો વારસો આપવો
એ આજની સૌથી મોટી જવાબદારી છે.તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડૂક, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,મામલતદાર શ્રી
એચ.વી.જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.બી.રાવ,આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, સમાજસેવી શ્રી
અનુભાઈ તેજાણી, શ્રી જીવરાજભાઈ ધારુકાવાલા, શ્રી રામજીભાઈ, શ્રી રઘુભાઈ હુમલ, શ્રી રવજીભાઈ, શ્રી લવજીભાઈ
સહિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts