શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ તથા સાવરકુંડલા મહાત્મા ગાંધીજી ધર્મશાળા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીજી ધર્મશાળાના પ્રાંગણમાં પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધી વિચારોના પ્રસાર અર્થે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સવારે ૮:૩૦ કલાકે પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ શ્રી બાલભવન અમરેલીની કલાવૃંદ ટીમ (શ્રી જેઠવા સાહેબ) દ્વારા ગાંધીગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ડો. નલીનભાઈ ધોળકીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ અતિથિઓનું સૂતરની આટી અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના મંત્રીશ્રી ડો. રાજેન્દ્ર ખીમાણીએ મહેમાનોનો પરિચય આપી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ તકે સાવરકુંડલા મહાત્મા ગાંધીજી ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા ‘ગાંધી વિચાર મંચ’ પ્રકલ્પની જાહેરાત કરાઈ હતી અને તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મુખ્ય વક્તા સરકારી વિનયન કોલેજ (અંજાર)ના પ્રાધ્યાપક અને યુવા ગાંધી વિચારક શ્રી રમઝાનભાઈ હસણીયાએ “યાત્રા મોહનથી મહાત્મા” વિષય પર મનનીય અને પ્રેરણાદાયી પ્રવચન આપી શ્રોતાઓ અને વિદ્યાર્થીઓને રસતરબોળ કર્યા હતા. અધ્યક્ષીય ઉદબોધનમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારો અને મૂલ્યો વિસરાતા જાય છે ત્યારે બંને સંસ્થાઓ દ્વારા યોજાયેલ આ આયોજન ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગાંધી જયંતિના આ પવિત્ર પ્રસંગે મહાત્મા ગાંધીજી અતિથિગૃહ દ્વારા ત્રણ નવા પ્રકલ્પો ખુલ્લા મુકાયા હતા: જેમાં
શ્રી રામજી અમરશી મહેતા સેનેટોરિયમ ઉકાળા કેન્દ્ર: ડો. શ્રી વડેરા સાહેબના હસ્તે લોકાર્પણ.
શ્રી ગાંધી પાણી પરબ કેન્દ્ર: માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણીના હસ્તે લોકાર્પણ.
ગાંધી ગીત મ્યુઝિક સિસ્ટમ: ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ તથા લોકભારતી સણોસરાના ડો. રાજેન્દ્રભાઈ ખીમાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી નયનાબેન કાપડિયા, ડો. દીપકભાઈ શેઠ, શ્રી જયંતીભાઈ વાટલીયા તથા ધર્મશાળાના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ પ્રો. રવૈયા સાહેબે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાવરકુંડલા મહાત્મા ગાંધીજી ધર્મશાળા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી એ.ડી. રૂપારેલ સાહેબ, શ્રી અષ્ટકાંતભાઈ સૂચક અને શ્રી પીન્ટુભાઈ વડેરાની દેખરેખ હેઠળ સંપન્ન થયું હતું. અંતમાં શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી અને સેવાના સંદેશ સાથે સંપન્ન થયો હતો.


















Recent Comments