સુરતમાં ટોબેકોની દુકાનમાંથી ૩.૭૩ લાખની ગુટખા-સિગારેટની ચોરીથી ચકચાર

વધતાં કોરોના સંક્રમણને કારણે કરફ્યૂના સમયમાં પણ વધારો કરયાના પ્રથમ દિવસે જ સુરતના ભેસ્તાનની ટોબેકોની દુકાનને નિશાન બનાવી ૩.૭૩ લાખની કિંમતના ગુટખા-સિગારેટની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.
ઉનગામ યુવાન સોસાયટીમાં રહેતાં રફીક લાખાણી ભેસ્તાન ભગવતી નગરમાં લાખાણી ટોબેકોના નામે સિગારેટ, બીડી, ગુટખા અને પાન મસાલાનો વેપાર કરે છે. શુક્રવારે સવારે દુકાન ખોલવા ગયેસાં આ વેપારીને દુકાનની શટરના ત્રણેય તાળા તૂટેલા જાેવા મળ્યા હતા. દુકાનની અંદર જતાં તેની સ્થિતિ પણ સારી ન હતી. અંદરથી સિગારેટ, બીડી અને ગુટકાનો સામાન ચોરી થઈ ગયો હતો. તસ્કરો આખેઆખા કાર્ટુન લઈ ગયા હતા.
દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતાં પાંડેસરા પોલીસની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. ગણતરી કરવામાં આવતાં ૩.૭૩ લાખની કિંમતનો સામાન ચોરી થઈ ગયો હતો. કોણ ચોરી ગયું તે સીસીટીવીમાં ન આવે તે માટે તસ્કરો દુકાનમાંથી સીસીટીવીનું ડીવીઆર ચોરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી શુક્રવારથી કરફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. ત્યારે ગુટખા અને સિગારેટના શોખીનો ચિંતામાં પડ્યા છે. અને ગત વર્ષની જેમ અછતનો સામનો ન કરવો પડે તે માટે તેનો સ્ટોક કરી રહ્યા છે. ત્યારે કરફ્યૂના વધારાના પહેલા દિવસે ગુટકાની દુકાનમાં થયેલી લાખોના સિગારેટ-ગુટકાની ચોરીએ ચર્ચા જગાવી છે.
Recent Comments