વિડિયો ગેલેરી

લીલીયા મોટામાં ભાજપની ‘વિકાસ સંકલ્પ સભા’માં કેસરીયો માહોલ

*પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં ભળ્યા

*અમરેલી કોંગ્રેસમાં મોટું ગાબડું: જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર અને તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના પૂર્વ ચેરમેન શ્રી જીવરાજભાઈ પરમાર સહિત ૧૦૦ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

*પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ભવ્ય વિકાસ સભા; ધોમધખતા તાપમાં જનમેદની ઉમટી

લીલીયા મોટા
અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનની તાકાત અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના પ્રચાર સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ અમરેલી જિલ્લાની પ્રથમ મુલાકાતે આવેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું શબ્દોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

યારબાદ તાલુકા અને જિલ્લા ભાજપના કાર્યકરોએ તેમને ખેસ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ સભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અને કદાવર નેતા જીવરાજભાઈ પરમાર સહિત ૧૦૦ જેટલા સમર્થકોએ કોંગ્રેસને ‘રામ-રામ’ કહી ભાજપનો સાથ સ્વીકાર્યો હતો. પ્રદેશ અધ્યક્ષે તમામ નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સરકારની સિદ્ધિઓ વર્ણવતા કાર્યકરોમાં જોશ પૂર્યો હતો. આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમામ ૧૬ બેઠકો પર તથા જિલ્લા પંચાયતની લીલીયા સીટના ઉમેદવાર જીગ્નેશ સાવજ અને ક્રાંકચ સીટના ઉમેદવાર હર્ષાબેન જયસુખભાઈ સુરાણીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.

ધોમધખતા તાપમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, અરૂણભાઇ પટેલ સહિતના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભુપેન્દ્રભાઈ બસિયા અને કેતન ઢાંકેચા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts