અમરેલી

વાદા તેરા વાદા.. વાદેં પે મૈં તો મારા ગયા બંદા મૈં સીધાસાદા..ચૂંટણી આવે વચનો લાવે

આજકાલ લોકસભાની ચૂંટણીના પડઘમની તૈયારી થઈ રહી છે ત્યારે પાટલી બદલવાનો પવન પણ વાઈ રહ્યો છે.. સમય વર્તે સાવધાન જેવા સૂત્રોને આત્મસાત કરતાં અમુક નેતાગણ શઢ પ્રમાણે સૂકાન બદલી શકે છે. આવી પરિસ્થિતિમાં અમુક રાજકીય નેતા મહાનુભાવોનો વિશ્ર્વાસ કેમ કરવો? આજે આમ કહે કાલે કહીંક તેમ…!! સમય સંજોગો અને કદાચ તક મળે તો પાટલી  બદલી શકે.!! જો કે આમાં કંઈ આશ્ર્ચર્ય જેવું તો છે જ નહીં.. આજે જે છાતી ઠોકીને દાવા કરતાં હોય એ આવતીકાલે કિન્તુ પરંતુ લેકિન આમતેમ કહીને ભોળી જનતાને અષ્ટમપષ્ટમ છાતી ઠોકીને જણાવી શકે છે.

સમયાનુસાર નાદાનિયત કરે કે મૂર્ખામી એ તો રામ જાણે? પરંતુ આ સંદર્ભે ભીષ્મપિતામહ અને મહારાણા પ્રતાપના  વારસાની વાતો કરી પલકારામાં કેમ પલાયન થઈ જાય એ પણ લોકતંત્રની દુહાઈ જ હશેને? હજુ હમણા સુધી અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ પર અમેરિકન રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી લડવાના નીચલી અદાલતના કોર્ટના આદેશને ત્યાંની સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો. યુક્રેન અને રશિયાને પણ હવે ધીમેધીમે એ સમજ તો આવવા જ લાગ્યું કે અંતે આપણો રણસંગ્રામ આપણે જ લડવાનો છે. આ બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થતાં કદાચ કોઈ સમજૂતી થશે અને સંભવતઃ યુધ્ધ બંધ થાય તેવા સંજોગો નિર્માણ થતાં જોવા મળે છે. જો કે યુધ્ધ સમાપ્ત થવામાં કદાચ કોઈ વિષ્ટિકાર જશ ખાટી જાય એવું પણ બને તો આશ્ર્ચર્ય ન પામવું..!! એક વાત અહીં ખૂબ સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલે તો હોહા થઈ જાય ખરી પરંતુ પાટલી બદલીને ગર્વભેર સ્ટેટમેન્ટ આપી શકે છે..!

જો કે આપણાં પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે વિવાદ થાય એવું કંઈ પણ કર્યાં વગર માત્ર રાષ્ટ્ર હિતના વિકાસની વાતોને પ્રાધાન્ય આપવું..આના સૂચિતાર્થો પણ ખૂબ મનનીય છે. જો સમજાય તો જો કે  અમુકને આ વાત કદાચ હજમ ન પણ થાય.. કારણ કે અમુક તમુક વિવાદમાં રહીને જ પોતાનું અસ્તિત્વ ટકે એવું માનનાર પણ એક વર્ગ તો હશે. એમાં પણ ચૂંટણી સમય જેમ જેમ નજીક આવશે અનેક અવનવા ફણગા ફૂટશે.. કોઈ પૂર્વ થી કોઈ પશ્ર્ચિમ થી કોઈ ઉત્તર થી તો કોઈ દક્ષિણ થી કોઈ આસમાનથી તો કોઈ ભૂમંડળ પરથી બસ વિવાદને વકરાવવો કેમ એની ફિરાકમાં જ અમુક તો હોય છે. જેમ પતંગોત્સવ દરમિયાન વિવિધ પતંગો આકાશમાં ચડે બસ એમ જ આ વિવાદનું હોય છે.. પતંગોત્સવ પૂર્ણ એટલે પતંગ ઉડતી ન દેખાય.. વિવાદનું પણ એવું જ હોય છે. જો કે ખાસ કરીને ભારતીય ગ્રામ્ય લોકો ઘણેઅંશે  ભોળા હોય છે એટલે કોઈને કોઈ વિવાદના ભોળપણમાં આવી પણ જાય ખરાં.. પછી માથે ઓઢીને રોવે પણ ખરાં.!! એટલે તંદુરસ્ત લોકશાહી માટે માત્ર એક વાત જ યાદ રાખી શકાય કે આપણે પ્રતિનિધિ ચૂંટતી વખતે અંતરાત્માને પૂછવું. એક નહીં સો વાર પૂછીને પછી શાંત મને યોગ્ય પ્રતિનિધિનું ચયન કરવું. કોઈ પણ મહાનુભાવ પક્ષ પલટો કરે ત્યારે જાહેર જનતાએ તેને જૂની વાતો તો અવશ્ય યાદ કરાવવી.. જો કે સાંપ્રત સમયમાં હવે સતા તરફનું આકર્ષણ એટલું જોરદાર હોય છે કે બાકી બધું ઠીક..

Related Posts