વડોદરામાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે તંત્ર દ્વારા દર્દીઓને સારી અને સમયસર સારવાર મળી રહે એ માટે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે, પરંતુ ખાનગી હોસ્પિટલોના વહીવટકર્તાઓ દ્વારા સરકારી ક્વોટામાં કોરોનાના દર્દીઓને સારવાર આપવાને બદલે સરકારી ક્વોટાનાં બેડ હાઉસફુલ હોવાનું જણાવી દર્દીઓને પોતાની હોસ્પિટલના ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી સામલાભાઇ રાઠવા (નામ બદલ્યું છે ) પોતાની પત્નીને લઈને કોરોનાની સારવાર માટે વડોદરા પાસે આવેલી હોસ્પિટલમાં આવ્યા હતા. આ દર્દીના પતિ સામલાભાઇએ હોસ્પિટલના વહીવટકર્તાઓએ ગવર્નમેન્ટ ક્વોટાનાં બેડ ન હોવાનું જણાવી પ્રતિદિન રૂપિયા ૮૫૦૦ બેડ ચાર્જ થશે, એમ જણાવતાં સારવાર માટે આવેલી વ્યક્તિ પોતાની પત્નીને લઈને પરત પોતાના ગામ રવાના થઇ ગયો હતો.
વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતાં શારદાબેન (નામ બદલ્યું છે)ની તબિયત લથડતાં પરિવારે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ દર્દીને ગવર્નમેન્ટ ક્વોટામાં દાખલ કરવાનાં હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સના એમટી દ્વારા સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સહિત વડોદરા તથા એની નજીક આવેલી હોસ્પિટલોમાં તપાસ કરી હતી, પરંતુ તમામ જગ્યાએથી એક જ પ્રત્યુત્તર મળ્યો હતો કે ગવર્નમેન્ટ ક્વોટાનાં બેડ હાઉસફુલ છે. આખરે આ દર્દીના સંબંધીએ પોતાની વગ વાપરીને વડોદરા નજીક આવેલી હોસ્પિટલમાં સરકારી ક્વોટામાં બેડ હોવાનો ઇનકાર કર્યો હતો. જાેકે છેવટે એ જ હોસ્પિટલમાં ગવર્નમેન્ટ ક્વોટામાં પોતાની માતાને સારવાર માટે ખસેડાયાં હતાં. આ દર્દી સ્વસ્થ થયા બાદ પોતાના વોર્ડમાં જાેતાં માત્ર બે જ દર્દી હતા. પુત્રને જાણ કરતાં તે ચોંકી ઊઠ્યો હતો.
વડોદરા નજીક આવેલી એક હોસ્પિટલમાં સરકારી ક્વોટાનાં બેડ પર હાલ માત્ર ત્રણ દર્દી હોવા છતાં હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા ગવર્નમેન્ટ ક્વોટાનાં બેડ ખાલી ન હોવાનું જણાવીને પોતાના ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપીને નાણાં વસૂલી રહ્યા છે. એ જ રીતે વડોદરાની અન્ય કોવિડ હોસ્પિટલોમાં પણ ગવર્નમેન્ટ ક્વોટાનાં બેડ પર વિનામૂલ્યે કોરોના દર્દીઓને સારવાર આપવાને બદલે સરકારી ક્વોટાનાં બેડ ફુલ થઇ ગયા હોવાનું જણાવી દર્દીઓને ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપીને દર્દીઓ પાસે નાણાં વસૂલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એવી પણ માહિતી મળી છે કે કોરોનાકાળ દરમિયાન ૨૪ કલાક ફરજ બજાવી રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટીને કોઈપણ દર્દીને ગવર્નમેન્ટ ક્વોટામાં દાખલ કરવા લઈ જવા માટે જે-તે હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કર્યા બાદ લઈ જવાની ફરજ પડી રહી છે. દર્દીની હાલત ગંભીર હોય તેવા સમયે ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટીને પણ સરકારી ક્વોટાનાં બેડ શોધવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે.
Recent Comments