અમરેલી

સાવરકુંડલાના હાથસણી રોડના નવીનીકરણનો પ્રારંભ: ૨૦ હજારથી વધુ નાગરિકો અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર

સાવરકુંડલા શહેરનો મહત્વનો ગણાતો હાથસણી રોડ લાંબા સમયની પ્રતિક્ષા બાદ આખરે નવા રંગ રૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગને ફરી બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી મળતા હરિઓમ કન્સ્ટ્રક્શન દ્વારા ગતરોજથી રોડના ખોદકામની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ માર્ગને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, વોર્ડ નં. ૫ ના કાઉન્સિલર કેશવભાઈ બગડા, અશોકભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્ય પતિ કરસનભાઈ આલ, જીગ્નેશભાઈ ભરાડ તથા પૂર્વ સદસ્ય પ્રવિણભાઈ કોટીલા સહિતના અગ્રણીઓએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને ભારપૂર્વક રજૂઆતો કરી હતી. આ સામુહિક પ્રયાસોના પરિણામે ડામર રોડનું કામ મંજૂર થતાં સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાથસણી રોડ માત્ર પરિવહન માટે જ નહીં, પરંતુ ધાર્મિક આસ્થા માટે પણ ખૂબ મહત્વનો છે. આ માર્ગ પર:

​વિશ્વ વિખ્યાત માનવ મંદિર.

પરમ ​પૂજ્ય ઉષામૈયા સંચાલિત શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ).

​આગળ જતાં કુદરતી સૌંદર્યથી ભરપૂર શેલ દેદૂમલ ડેમ.

જેવા સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની અવરજવર રહે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આશરે ૨૦ હજાર જેટલી જનસંખ્યા વસે છે, જેમને હવે ઉબડખાબડ રસ્તાઓથી મુક્તિ મળશે.

​ગુણવત્તાયુક્ત કામગીરીની માંગ

હાલ પ્રથમ તબક્કે ૨૩૦ મીટર જેટલો રોડ RCC (આરસીસી) બનાવવામાં આવશે. પૂર્વ સદસ્ય ભાવેશભાઈ બગડા સહિત આ વિસ્તારના જાગૃત નાગરિકોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની તમામ શરતોનું ચુસ્ત પાલન કરવામાં આવે અને કામગીરી અત્યંત ગુણવત્તાયુક્ત થાય જેથી ભવિષ્યમાં લોકોને ફરી હાલાકી ભોગવવી ન પડે.

Related Posts