ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી ૧૩ ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રવણોત્સવ’નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ને પણ પ્રસ્થાન કરાવશે.
વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ ૧૦૮ નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે, જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે. યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે, ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે. ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને, શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે. ૧૦૮ કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર પધારીને સાંસ્કૃતિક વિરાસતના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગરીમામય ઉપસ્થિતિ તરીકે ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તેમજ સંસદ સભ્યો સર્વે શ્રી મયંકભાઈ નાયક, શ્રી હરીભાઈ પટેલ, શ્રી ભરતસિંહજી ડાભી અને શ્રી રાજેશભાઈ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે. સંસ્કૃતિ અને શ્રદ્ધાના આ સંગમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.


















Recent Comments