અમરેલી

“વિશ્વ કેન્સર દિવસ–૨૦૨૬” : પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ સમાજ તરફ પહેલ

આજના સમયમાં કેન્સરની બિમારી વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ગંભીર પડકારરૂપ બની રહી છે. બદલાતી જીવનશૈલી, ખોરાકની ગુણવત્તામાં થયેલો ઘટાડો, રસાયણિક પદાર્થોનો વધતો ઉપયોગ તથા પર્યાવરણમાં થતું પ્રદૂષણ—આ તમામ પરિબળો કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને વધારતા હોવાના વૈજ્ઞાનિક સંકેતો મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ ક્ષેત્રનો વિકલ્પ નહીં, પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ દિશા તરીકે સામે આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ૦૪-ફેબ્રુઆરીને કેન્સર સામેની જનજાગૃત્તિના દિવસ તરીકે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.

World Health Organization (WHO) તથા તેની સંલગ્ન International Agency for Research on Cancer (IARC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪–૨૫ના ગાળામાં સમગ્ર વિશ્વમાં કરોડો લોકોમાં કેન્સરના નવા કેસ નોંધાઈ રહ્યા છે અને કેન્સર-સંબંધિત મૃત્યુદર પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. ભારતની સ્થિતિ પણ આ વૈશ્વિક ચિત્રથી અલગ નથી. આ આંકડાઓ સ્પષ્ટ રીતે સૂચવે છે કે કેન્સર હવે માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્યનો મુદ્દો નથી રહ્યો, પરંતુ એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય પડકાર બની ગયો છે.

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં જનજન સુધી લઈ જવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ મિશન વેગવંતુ બન્યું છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત અનાજ – કઠોળ – શાકભાજીમાં રસાયણોની ગેરહાજરીના લીધે કેન્સર, ડાયાબિટીશ, બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે.

વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમય સુધી કેટલાક રસાયણિક જંતુનાશકો, ખાતરો અને ઘાસનાશકોના સંપર્કમાં રહેવું માનવ આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓમાં વપરાતા આવા રસાયણોના અંશ ખોરાક મારફતે માનવ શરીરમાં પ્રવેશી શકે છે, જેનાથી લાંબા ગાળે ગંભીર રોગો, જેમાં કેટલાક પ્રકારના કેન્સરનો સમાવેશ થાય છે, તેનો જોખમ વધવાની શક્યતા નકારી શકાય નહીં. આ પરિસ્થિતિએ ખોરાકની સલામતી અને ગુણવત્તા અંગે નવી રીતે વિચારવાની જરૂરિયાત ઊભી કરી છે.

પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે, જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના બદલે કુદરત આધારિત ઉપાયો અપનાવવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, દેશી બીજ, પાક ફેરફાર અને કુદરતી જીવાત નિયંત્રણ જેવી પદ્ધતિઓ દ્વારા માટીની ઉપજશક્તિ જાળવવામાં આવે છે અને સ્વચ્છ, પોષક તથા સુરક્ષિત ખોરાકનું ઉત્પાદન શક્ય બને છે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન ખોરાકમાં રસાયણિક અવશેષોની સંભાવના ઓછી રહે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. સાથે જ, માટી, પાણી અને પર્યાવરણનું સંરક્ષણ થતાં લાંબા ગાળે સમગ્ર પરિસ્થિતિથી લાભદાયી પરિણામો પ્રાપ્ત થાય છે.

કેન્સર જેવી ગંભીર બીમારી માટે આધુનિક ચિકિત્સા, સમયસર નિદાન અને નિષ્ણાત તબીબોની સલાહ અનિવાર્ય છે. તેમ છતાં, વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્વચ્છ, સંતુલિત અને પોષક આહાર શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે કેન્સર સહિત અનેક રોગોના જોખમ ઘટાડવામાં સહાયક બની શકે છે. આ દૃષ્ટિએ પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવનશૈલી તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

કેન્સર સામેની લડતમાં આધુનિક ચિકિત્સા જેટલી જ અગત્યની છે રોગપ્રતિરોધક જીવનશૈલી. પ્રાકૃતિક ખેતી અને સ્વચ્છ આહાર એ રોગપ્રતિરોધ તરફના સશક્ત સાધનો છે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં, પરંતુ સ્વસ્થ પેઢી, સુરક્ષિત ભવિષ્ય અને સકારાત્મક સમાજ રચવાનો સંકલ્પ છે,જેને આજે અપનાવવાની તાતી જરૂરિયાત છે.

Related Posts