અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોને ડી.એ.પી ખાતરની અવેજીમાં વાપરી શકાય તેવા ખાતરોનો ઉપયોગ કરવા અનુરોધ

આગામી ચોમાસુ સીઝન દરમિયાન ખાતરની ખરીદી કરવામાં સાવચેતી રાખવા તેમજ અધિકૃત ખાતર વિક્રેતા પાસેથી જ ખાતરની ખરીદી પાક્કા બિલથી કરવા ખેડૂતોને નાયબ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખાતરની પસંદગી કરવામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં સૌપ્રથમ તો પાકને ક્યાં ક્યાં તત્વોની અને કેટલા પ્રમાણમાં જરૂર છે તે મુજબ રાસાયણિક ખાતરો પસંદ કરવા જોઇએ. ચોમાસુ વાવેતરમાં દરમિયાન ડી.એ.પી. ખાતરની અવેજીમાં તેના વિકલ્પ તરીકે અન્ય ખાતરો પસંદ કરવા કારણ કે છોડને ફક્ત તેનાં પોષણથી જ મતલબ હોય છે પછી આપણે એમને કોઇપણ ખાતર દ્વારા આપીએ. ડી.એ.પી. ખાતરમાં ૧૮% નાઇટ્રોજન અને ૪૬% ફોસ્ફરસ હોય છે. ડી.એ.પી.ની જગ્યાએ એન.પી.કે. ૧૨-૩૨-૧૬ અથવા અન્ય કોઇ ગ્રેડ અથવા એસ.એસ.પી. અથવા નેનો ડી.એ.પી. પણ વાપરી શકાય  છે.

સિંગલ સુપર ફોસ્ફેટ – ડી.એ.પી. ની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટ નો ઉપયોગ કરી શકાય છે. એસએસપીમાં ફોસ્ફરસ ૧૬ ટકા, સલ્ફર ૧૨.૫ ટકા અને કેલ્શિયમ ૨૧ ટકા મળે છે.

મગફળી જેવા તેલીબીયા પાકમાં એસ.એસ.પી. ખાતરનો ઉપયોગ કરવાથી મગફળીને જરૂરી એવા સલ્ફર અને કેલ્શીયમ તત્વો મળી રહે છે, જેથી અલગથી આપવાની જરૂર રહેતી નથી.

એન.પી.કે ૧૨:૩૨:૧૬ અથવા ૨૦:૨૦:૦૦ અથવા ૨૦:૨૦:૦૦:૧૩ અથવા અન્ય કોઇ ગ્રેડ – ડી.એ.પી.ની જગ્યાએ એન.પી.કે. (૧૨:૩૨:૧૬) ખાતરોનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના ખેડૂતો પોટાશનો ઉપયોગ કરતા નથી. જ્યારે પોટાશ તત્વ છોડ માટે જરૂરી મુખ્ય પોષક તત્વ છે. એન.પી.કે (૧૨:૩૨:૧૬)ના ફાયદા જોઇએ તો આ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ૩ મુખ્ય પોષક તત્વો છે.

પોટાશનો ઉપયોગ અન્ય પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે છે. કારણ કે પોટાશ પાકમાં છિદ્રોના ખોલવા અને બંધને નિયંત્રિત કરે છે. પોટાશનો ઉપયોગ બીજની ચમક તથા છોડમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી રોગ ઓછા થાય છે અને પાકમાં ઉત્પાદન વધારે.

એવી જ રીતે ૨૦:૨૦:૦૦:૧૩ માં નાઇટ્રોજન અને ફોસ્ફર સિવાય સલ્ફર તત્વ મળી રહે છે જે તેલીબીયા પાકમાં ખુબ જ ઉપયોગી છે.

નેનો ડી.એ.પી – નેનો ડી.એ.પી.ને બીજ માવજત તરીકે ૧ કિલો બીજ માં ૫ મિલી નેનો ડી.એ.પી.નો ઉપયોગ કરી શકાય. જ્યારે પાક ૩૦ દિવસનો થાય ત્યારે એક પંપમાં પાક મુજબ ૨૫ થી ૪૦ મિલી ભેળવી ઉભા પાકમાં છંટકાવ કરી શકાય છે. નેનો ડી.એ.પી. થી જમીન બગડતી નથી અને છોડ પુરે પુરા તત્વોનો ઉપયોગ કરી શકે છે.

આમ ડી.એ.પી. ખાતરની અવેજીમાં ઉપર મુજબનાં ખાતરો વાપરી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ઘનજીવામૃત નો ઉપયોગ પાયના ખાતર તરીકે શકે છે અને પાછળથી જીવામૃત પાણી સાથે જમીનમાં અથવા ઉપરથી છંટકાવ પણ કરી શકાય છે. વધુ માહીતી માટે ખેતીવાડી વિભાગનાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) આત્માના એ.ટી.એમ, બી.ટી.એમ, ખેતીવાડી અધિકારીશ્રી અને જિલ્લા કક્ષાએ આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યા છે.

Related Posts