કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના ઘટક પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા અને કુંકાવાવ-વડિયા તાલુકાના જુના બાદનપુરની પસંદગી થઈ છે. આ બંને ગામો ‘આદર્શ ગ્રામ’ બની શકે તેવા હેતુથી ગેપ ફિલીંગ હેઠળ વિવિધ કામગીરી અને ગ્રામ વિકાસ યોજના (VDP) અંગે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા અનુસરણ સમિતિના સભ્ય સચિવશ્રી અને અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રીએ યોજના અંતર્ગત ગ્રામ વિકાસનો પ્લાન જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્લાન અંતર્ગત સમિતિને યોગ્ય માર્ગદર્શન આપી અને ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવાની સૂચના આપી હતી.
પ્રધાનમંત્રીશ્રી આદર્શ ગ્રામ યોજનાના નવા ગામ તરીકે જિલ્લાના આ બંને ગામમાં માળખાકિય સુવિધાઓ, સામાજિક આર્થિક સુધારા માટેના પગલા લેવામાં આવશે,જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ પાયારૂપ બનશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ બંને ગામના ગ્રામ વિકાસ માટે ભૂગર્ભ ગટર, મધ્યાહન ભોજન યોજના માટે શાળામાં શેડ, સ્મશાન, સોલાર રૂફ ટોપ, સ્ટ્રીટલાઇટ સહિતના કામોને પ્રાધાન્ય આપવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ગામમાં પ્રત્યેક વ્યક્તિના જનધન ખાતા હોય તે સુનિશ્ચિત કરવા માટે લીડ બેંક મેનેજરશ્રીને સૂચના આપી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી બગસરા-વડિયા શ્રી,નંદા, નાયબ કલેક્ટર પુરવઠા શ્રી કુંભાણી, પશ્વિમ ગુજરાત વીજકંપનીના અધિકારીશ્રીઓ, બંને તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments