રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશના ઐતિહાસિક અવસરે, સાવરકુંડલાની પુણ્યશાળી ભૂમિ પર કબીર ટેકરી (સંત કબીર વસ્તી) ખાતે સંત સમિતિ અને વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત “વિરાટ હિન્દુ સંમેલન” અત્યંત ભવ્ય અને દિવ્ય માહોલમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે સમગ્ર સાવરકુંડલાનો હિન્દુ સમાજ જાતિ-જ્ઞાતિના ભેદભાવ ભૂલી એકતાના સૂત્રે બંધાયો હતો.
વડીલ વંદના અને સંસ્કાર સિંચન સનાતન સંસ્કૃતિમાં વડીલોનું સ્થાન દેવતુલ્ય છે. આ ભાવનાને ચરિતાર્થ કરતા, સંમેલનમાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા શતાયુ વડીલોનું ભાવપૂર્વક પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું. નવી પેઢીમાં સંસ્કારોનું પ્રત્યારોપણ કરવાના હેતુથી બાળકો દ્વારા માતૃ-પિતૃ પૂજન તેમજ ગૌ-પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમના પ્રારંભે આદરણીય શ્રી કૌશિક બાપુએ સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ કરી સમગ્ર વાતાવરણને ‘રામમય’ બનાવી દીધું હતું. આ તકે શ્રી હિતેશભાઈ શેઠ દ્વારા હનુમાનજીની જીવંત ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. સંઘના બાળ સ્વયંસેવકો દ્વારા સમાજ પરિવર્તન માટેના પાંચ પાયાના સિદ્ધાંતો ‘પંચ પરિવર્તન’ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવ અને નાગરિક કર્તવ્યનો સમાવેશ થાય છે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર મસ્તરામ બાપુ તેમજ અન્ય વિદ્વાન સંતોએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ એ વિશ્વ કલ્યાણનો માર્ગ છે. તેમણે વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, “દરેક પરિવારે સાંજનું ભોજન પરિવાર સાથે મળીને લેવું જોઈએ અને તે સમયે ફોન કે ટીવીનો ઉપયોગ ટાળવો જોઈએ”, જેથી પારિવારિક સંબંધો વધુ ગાઢ બને. ત્યારબાદ સંઘના જિલ્લા કાર્યવાહ શ્રી આકાશભાઈ પંડ્યાએ સંઘની ૧૦૦ વર્ષની રાષ્ટ્ર સેવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગોપી મહિલા મંડળના કીર્તન અને નિવિદ્યા સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરાયેલ પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમની નાટિકાએ સૌના મન મોહી લીધા હતા. અયોધ્યાની અખંડ જ્યોત ની મહાઆરતી અને સરયુ જળના પવિત્ર પૂજન બાદ હજારો નગરજનોએ એકસાથે પંગતમાં બેસીને સમરસતા ભોજન (મહા પ્રસાદ) ગ્રહણ કર્યો હતો. સંત સમિતિના અધ્યક્ષ મહંત શ્રી નારાયણ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ સમાજમાં એકતા અને અખંડિતતા બળકટ સંદેશ પાઠવ્યો હતો. વિરાટ હિન્દુ સંમેલન સમિતિ, સ્થાનિક સ્વયં સેવકો અને નગરજનોએ આ દિવ્ય આયોજનને સફળ બનાવવા રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલામા સંતોના સાનિધ્યમાં સનાતન સંસ્કૃતિનો પ્રગટ ઉત્સવ; જાતિ-જ્ઞાતિના ભેદ ભૂલી હજારો નગરજનો ઉમટી પડ્યા


















Recent Comments