અમરેલી

લાઠીના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી જયંતીભાઈ સખવાળાએ પ્રાકૃતિક કૃષિ અપનાવી : ૧૩ વીઘા જમીનમાં ૨૭ ટન પપૈયાનું મબલખ ઉત્પાદન

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.  અમરેલીના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી જયંતીભાઈ સખવાળાએ પરંપરાગત રસાયણયુક્ત ખેતીને હંમેશ માટે ત્યાગીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવી છે.

પ્રગતિશીલ ખેડૂતશ્રી જયંતીભાઈએ જણાવ્યું કે, એક સમયે હું ધાન્ય અને રોકડીયા પાક સહિતના પાકનું વાવેતર કરતો હતો. વિવિધ પાકમાં વારંવાર જીવાતો આવવાના કારણે દવા છંટકાવ કરવો પડતો તેમ છતાં યોગ્ય પરિણામ નહોતું મળતું આથી મેં પ્રાકૃતિક કૃષિની નવી દિશા તરફ વિચાર્યું હતું અને એ વિચાર થકી છેલ્લા ૩ વર્ષથી હું પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. તેમણે ઉમેર્યું કે,  હાલમાં હું બાગાયતી પાક પપૈયાની પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો. જેમાં એકરદીઠ ઉત્પાદન અને આવક બંને વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે ૧૩ વીઘા જમીનમાં ૨૭ ટન પપૈયાનું મબલખ ઉત્પાદન  મેળવ્યું છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બાગાયતી પાક સહિતના વાવેતર થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

અનેક ખેડૂતોના પ્રેરણાસ્ત્રોત પ્રગતિશીલ ખેડૂત શ્રી જયંતીભાઈ સખવાળા સોશિયલ મીડિયા સહિત આધુનિક માર્કેટીંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉત્પાદિત પપૈયાનું વેચાણ કરે છે અને સારી આવક મેળવી રહ્યા છે.

શ્રી જયંતીભાઈ જણાવે છે કે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્કની મદદથી પ્રાકૃતિક કૃષિમાં અનેક પ્રકારના લાભ મળે છે. જમીનની ફળદ્રુપતા વધે છે અને સારૂં પાક ઉત્પાદન પણ મળે છે.

યોગ્ય માર્ગદર્શન, દ્રઢ સંકલ્પ, મહેનતથી પ્રાકૃતિક કૃષિમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રાકૃતિક કૃષિ એ સમયની પ્રમુખ માંગ પૈકીની એક માંગ છે. આજે નહીં તો કાલે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે અને ભવિષ્યની પેઢીઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. પ્રગતિશીલ ખેડૂત શ્રી, જયંતીભાઈ બાગાયતી પાક માટે મોડેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મ બનાવીને પરંપરાગત કૃષિ કરતા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Related Posts