અમરેલી

હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો દ્વારા જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની રકતતુલા કરવામાં આવી હતી તથા જગદીશ ત્રિવેદીએ પોતે પણ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આશ્રમમાં છેલ્લાં વીસ વરસથી દર શુક્રવારે નેત્રયજ્ઞ તથા મેડીકલ કેમ્પનું આયોજન થાય છે.
અહીં લેબોરેટરી, નિદાન, સારવાર અને ભોજન જેવી તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. છેલ્લાં વીસ વરસમાં આ સેવાયજ્ઞનો આશરે એક લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.
આજે ડો. મનીષ વલાણીયા , ડો. કમલેશ જોષી અને ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો અને એકત્ર થયેલ તમામ રક્ત ભાવનગર અને મહુવાની બ્લડ બેંકમાં દાન કરવામાં આવ્યું હતું.
વંડા ગામના શ્રી દુષ્યંતભાઈ સોલંકી તરફથી છેલ્લાં વીસ વર્ષથી તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
ડો. જગદીશ ત્રિવેદીએ પોતાની રકતતુલા અને સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું કે પૂજ્ય જશુબાપુએ એક લાખથી વધું લોકોની સુશ્રુષા કરીને લક્ષચંડી યજ્ઞ કર્યો છે. અહીં ભજન , ભોજન અને આરોગ્યલક્ષી સેવા થાય છે પણ જો એમાં શૈક્ષણિક સેવા પણ ભળે તો ભજન, ભોજન, ભંજન અને ભણતરનો સેવાચતુષ્કોણ રચાય.
આ આશ્રમમાં જો હોસ્પિટલ શરું થાય તો પહેલા પાંચ લાખનું દાન પોતે આપવાની જાહેરાત કરી હતી.

Related Posts