અમરેલી

માહિતી અધિકારનો વધુ એક વિજય: એલ.આઈ.સી. એજન્ટને સંવર્ધન પેન્શન સ્કીમની જમા રકમ માત્ર એક મહિનામાં પરત મળી

વર્ષ 2011થી એલ.આઈ.સી.ના એજન્ટો માટે શરૂ કરવામાં આવેલી સંવર્ધન પેન્શન સ્કીમ હાલમાં પણ અમલમાં છે. આ યોજના હેઠળ એજન્ટના કમિશનમાંથી નિયમિત રકમ કપાતી રહે છે. સામાન્ય રીતે એજન્ટ 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ પેન્શન મેળવવા અથવા એક તૃતીયાંશ રકમ પરત મેળવી ત્યારબાદ પેન્શન શરૂ કરાવવાનો વિકલ્પ ધરાવે છે. પરંતુ જો કોઈ એજન્ટ ને 60 વર્ષની ઉંમર પહેલાં પોતાની જમા કરાવેલી રકમ ની તાત્કાલિક જરૂરિયાત હોય, તો તે રકમ પરત મળી શકે કે નહીં તે અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક એજન્ટો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાવરકુંડલાના એલ.આઈ.સી. એજન્ટ કમલભાઈ અનંતરાય શાહને પોતાની સંવર્ધન પેન્શન સ્કીમ માં જમા થયેલ રકમ ની જરૂરિયાત ઊભી થતાં તેમણે પ્રથમ એલ.આઈ.સી. બ્રાન્ચ ઓફિસ, સાવરકુંડલા તથા ડિવિઝનલ ઓફિસ, ભાવનગર ખાતે મૌખિક રજૂઆત કરી હતી. ત્યાંથી તેમને જણાવવામાં આવ્યું હતું કે 60 વર્ષની ઉંમર પૂર્ણ થાય તે પહેલા જમા રકમ પરત મળી શકતી નથી. ત્યારબાદ તેમણે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ કે નિર્ણય મળ્યો નહોતો. આ પરિસ્થિતિમાં કમલભાઈ શાહે એડવોકેટ તથા આર.ટી.આઈ. કાર્યકર દીપેશ સી. જોશી નો સંપર્ક કર્યો. ત્યારબાદ માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ સંબંધિત માહિતી માંગતી અરજી કરવામાં આવી. આર.ટી.આઈ. અરજી કરવામાં આવ્યા બાદ માત્ર એક જ મહિનામાં એલ.આઈ.સી. દ્વારા કમલભાઈ શાહને તેના સંવર્ધન પેન્શન સ્કીમ માં જમા થયેલ રકમ જીએસટી તથા આવકવેરા (Income Tax)ની નિયમ મુજબની કપાત બાદ પરત ચૂકવવામાં આવી. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે માહિતી અધિકાર અધિનિયમ, 2005 માત્ર માહિતી મેળવવાનો કાયદો જ નથી, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નાગરિકોના વાજબી હક પ્રાપ્ત કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

Related Posts