”પગલે જેના પથ છવાયો, બનીને શીતળ ‘છાયા’,
જતી વેળાએ કોઈની આંખે, આખું આકાશ મૂકી ગઈ.
અહીં શ્વાસ ચાલે ત્યાં સુધી તો સૌ સંબંધો નિભાવે,
પણ મૃત્યુને મહોત્સવ બનાવી, જે યાદોની જ્યોત જલાવે, એ જ સાચી માયા.”
–“પાંધી સર”
કહેવાય છે કે સેવાનું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી, અને જ્યારે દુઃખની ઘડીમાં પણ કોઈના જીવનમાં અજવાળું પાથરવાનો વિચાર આવે ત્યારે તે સાચી માનવતા કહેવાય છે. ધારી મુકામે રહેતા ભવાનભાઈ ઠુમ્મરની ૧૬ વર્ષની વ્હાલસોયી દીકરી છાયા ઠુમ્મરનું અકાળે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ, આ અસહ્ય વેદનાની વચ્ચે પણ ઠુમ્મર પરિવારે દીકરીની આંખો દ્વારા અન્ય કોઈને દુનિયા જોવાની તક મળે તેવો ઉમદા નિર્ણય લીધો.
પરિવારજનોએ તુરંત જ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા તાલુકા બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તાત્કાલિક ધારી દોડી ગયા હતા અને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મેહુલભાઈ વ્યાસ દ્વારા અત્યાર સુધીમાં આ ૬૭૦મું ચક્ષુદાન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે, જે તેમની સેવાકીય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પવિત્ર કાર્યમાં મેહુલભાઈના ધર્મપત્ની પુજાબેન વ્યાસ અને ઈલાબેન વાઢેરે પણ ખભેખભા મિલાવીને પોતાની સેવાઓ આપી હતી. દીકરી છાયા આજે ભલે ભૌતિક રીતે વિદાય પામી હોય, પરંતુ તેની આંખો કોઈકની જીંદગીમાં હંમેશા તેજ બનીને જીવતી રહેશે.


















Recent Comments