ચાંદીપુરા વાયરસનાં કારણે હાલ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કેસો નોંધાય રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા દાખવી ધનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ દિન સુધી જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી. તેમજ ભવિષ્યમાં પણ અમરેલી જિલ્લો આ વાયરસનાં ભરડામાં ન સપડાય તેવી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં IMA-IAP એસોસિએશન સાથે એક CME (મીટીંગ)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લાનાં પ્રાઇવેટ પીડીયાટ્રીશ્યનશ્રી, ફિઝીશ્યનશ્રી તેમજ જનરલ પ્રેક્ટીશ્નરશ્રીઓને ચાંદીપુરા વાયરસ વિષે સમજ આપવામાં આવેલ અને કોઇ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક આરોગ્યતંત્રને જણાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ઉક્ત વાયરસને લઇ સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તેને તાત્કાલિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ/જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવા જણાવેલ છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જન-જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે અને લોકોને તકેદારી રાખવા, સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહેલ છે. તેમ છતાં જો કોઇને ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકનાં સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.












Recent Comments