અમરેલી

ઉનાળાની મહેનત ચોમાસે રંગ લાવી: અમરેલીના પાંચ ગામોમાં છલકાયા તળાવો, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કર્યા નવા નીરના વધામણા

અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં થયેલા  સારા વરસાદના પગલે સ્થાનિક જળાશયો તેમજ ગ્રામીણ તળાવોમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. આ શુભ અવસરે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે ગાવડકા, ખીજડિયા, રંગપુર, વડેરા અને નાના ભંડારિયા મુકામે  ઉમંગભેર નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાનને પ્રકૃતિનો ભરપૂર સાથ મળતા સમગ્ર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી છે.

અસરકારક આયોજન અને તળાવો છલકાયા – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના જળ સ્ત્રોતોને પુનઃજીવિત કરવા માટે ઉનાળાની ઋતુ દરમિયાન જ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના અંદાજે ૧૧૫ જેટલા ગામોમાં જળસંચયના કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરાયા હતા.

જળસંચય અભિયાનને વેગ-જિલ્લામાં જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ઉનાળા દરમિયાન ૧૩૦ જેટલા વિશાળ હીટાચી મશીનો તૈનાત કરીને પ્રતિ ગામ સરેરાશ ૬૦૦ કલાક સુધી તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે-ચોમાસા અગાઉ વૈજ્ઞાનિક ઢબે તળાવો ઊંડા થવાના કારણે અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણીનો ભરાવો થવાથી આગામી સમયમાં સમગ્ર વિસ્તારના ભૂગર્ભ જળ સ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે. કુવા અને બોરવેલના તળ ઊંડા જવાની સમસ્યા અટકશે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વર્તાતી પીવાના પાણીની તંગી ભૂતકાળ બનશે. આ જળક્રાંતિ લાંબા ગાળે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવામાં પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કૃષિ સમૃદ્ધિ અને જળ સિંચનનો માર્ગ મોકળો – તળાવોમાં જળરાશિનો પૂરતો સંગ્રહ થવાથી સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. ખરીફ અને રવિ પાક માટે પૂરતું જળ સિંચન મળી રહેતા કૃષિ ઉત્પાદકતામાં મોટો ઉછાળો આવશે, જે અંતતઃ અમરેલી જિલ્લાના અર્થતંત્રને મજબૂત કરી કૃષિ સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.

રાજ્યમંત્રીશ્રીએ નવા નીરના વધામણા કરીને જિલ્લાની  ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અમરેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીર વધામણા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts