અમરેલી

જિલ્લાના લાઠી તાલુકામાં APMC ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પેદાશોના યોગ્ય બજારભાવ સાથે સીધો વેચાણનો લાભ મળે તે હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સ્ટાફ, આત્મા પ્રોજેક્ટ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના APMC ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો ભવ્ય શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થિત ફાર્મર શેડ વિભાગ -૧ માં વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન APMC ના ચેરમેન  શ્રી દકુભાઈ પડસાલાના હસ્તે કરવામાં આવ્યું.

પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે, માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે તેમજ પર્યાવરણનું સંવર્ધન થાય છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો ગ્રાહકો સુધી સીધું પહોંચે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પ્રાપ્ત થાય તે માટે આવા વેચાણ કેન્દ્રો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

આ વેચાણ કેન્દ્રમાં પ્રમાણિત પ્રાકૃતિક ખેતી હેઠળ ઉત્પાદિત વિવિધ અનાજ, કઠોળ, મસાલા, તેલીબિયાં, ગોળ, દેશી ગાયનું ઘી, આયુર્વેદિક ઉત્પાદનો, ફળો, શાકભાજી તેમજ અન્ય મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનો ગ્રાહકોને એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા (ATMA) દ્વારા જિલ્લા તેમજ લાઠી તાલુકાના તમામ નાગરિકોને આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર તેમજ લાઠી તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનજર અને ખેતી મદદનીશ તેમજ તાલુકા ખેતીવાડીના અધિકારીશ્રી તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જેમકે ભરતભાઈ ચોવટીયા, કાળુભાઈ હુંબલ, રસિકભાઈ તળાવીયા તેમજ કૃષિ સખી/CRP ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts