અમરેલી

સાવરકુંડલામાં માર્ચના પ્રારંભે જ ગરમીનો મિજાજ બદલાયો: લગ્નસરાની મોસમ અને ગૃહિણીઓની વધતી વ્યસ્તતા

​બારેય માસ જે વરસે છે 

હેત બનીને ઘરમાં,

એ જ છે શક્તિ જે મહેકે છે 

અન્નપૂર્ણા બનીને ઘરમાં.

​તડકો ભલેને હોય બહાર 

ગમે તેટલો આકરો,

શીતળ છાંયડો બનીને 

ઉભી છે નારી દરેક ઘરમાં.

–“પાંધી સર”

માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે જ કુદરતે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ફાગણ માસના પંદર દિવસ વીત્યા બાદ હવે સૂર્યદેવ પ્રખર બની રહ્યા છે, જેના કારણે બપોરના સમયે લોકો પંખા અને એસીનો આશરો લેતા જોવા મળી રહ્યા છે. ચૈત્ર માસના આગમનને હજુ દસ દિવસની વાર છે, ત્યારે જ ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે જઈ રહ્યો છે. એક તરફ લગ્નસરાની સીઝન જામી છે, તો બીજી તરફ વધતી જતી ગરમી લોકોની કસોટી કરી રહી છે.

​આજે જ્યારે સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતીય ગૃહિણીઓ માટે આ દિવસ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતા તેમની અવિરત કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક બની રહ્યો છે. ઘરની સાફ-સફાઈ, રસોઈ અને બાળ ઉછેર જેવી બહુવિધ જવાબદારીઓ નિભાવતી નારી ખરા અર્થમાં ‘અન્નપૂર્ણા’ છે. ઉનાળાના લાંબા દિવસોમાં ગરમીની પરવા કર્યા વગર ગૃહિણીઓ અત્યારે મસાલા, અથાણાં, પાપડ અને બટેટા-સાબુદાણાની વેફર બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે. કહેવાય છે કે નારી શક્તિ વગરનું ઘર એ ઘર નથી પણ મકાન છે ચાહે કેટલું પણ આલીશન હોય પરંતુ એને ઘર ન કહી શકાય.. 

​વર્તમાન સમયમાં જ્યારે નારી શક્તિ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, ત્યારે સમાજમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના કેળવાય અને તેમના પર થતા અત્યાચારો અટકે તે આજના દિવસની સાચી જરૂરિયાત છે. ‘નારી તું નારાયણી’ના સૂત્રને સાર્થક કરતી ગૃહિણીઓ ઉનાળાની બપોરે પણ પરિવાર માટે નાસ્તા અને મહેમાનોના સ્વાગતની જવાબદારી હસતા મુખે નિભાવી રહી છે. ટૂંકમાં નારી શક્તિ દ્વારા જ મકાનને ઘર તરીકે નામાંકિત કરવામાં આવે છે 

​અને જરૂર પડી તો પરિવાર માટે કડી મહેનત કરીને આર્થિક ઉપાર્જન માટે પણ ખભેખભા મિલાવીને દુનિયા સામે બાથ પણ ભીડી શકે છે.!! 

આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ભારતીય પરંપરા મુજબ નારી શક્તિને વંદના.!!

Related Posts