અમરેલી

ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી, વૈશાલી બહેન ચાવડા તેમજ ટી.પી.એમશ્રી ઉર્વશી બહેન ગજેરાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વૈશાલી બહેન દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી.

પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ- અમરેલીના માર્કેટીંગ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts