· ગ્રામ વિકાસના કાર્યો માટે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ભાડા-ભથ્થા (T.A.)ચૂકવાશે : અમિત ચાવડા
· VCE (કોમ્પ્યુટર ઓપરેટર) મિત્રોને પૂરતો પગાર મળે અને તેમને કાયમી કરવામાં આવે તે માટે કોંગ્રેસ મક્કમતાથી કાર્ય કરશે. : શ્રી અમિત ચાવડા
· દરેક તાલુકા અને જિલ્લા પંચાયતોમાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરીને આધાર કાર્ડ, મા કાર્ડ અને તમામ સરકારી યોજનાઓના ફોર્મ તથા ઓનલાઇન સેવાઓ સર્વેજનોને સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. : શ્રી અમિત ચાવડા
· વહીવટી પારદર્શિતા લાવવા માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી પ્રક્રિયા અમલી બનાવીશું. : અમિત ચાવડા
· મહિલા સશક્તિકરણને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક બનાવવા માટે, ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને વહીવટી તાલીમ આપી તેઓને સ્વનિર્ભય રીતે નેતૃત્વ કરવા સક્ષમ બનાવવામાં આવશે, ગ્રામીણથી જિલ્લા સ્તર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને ‘ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ એવોર્ડ’થી સન્માનિત કરાશે : શ્રી અમિત ચાવડા
· ગામોની જમીનને ઉદ્યોગપતિઓને આપતા પહેલા ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી અનિવાર્ય બનાવવામાં આવશે : શ્રી અમિત ચાવડા
· ગ્રામસભાને ખરા અર્થમાં લોકકેન્દ્રિત બનાવી, ગ્રામજનો નક્કી કરે તે તારીખે અને ગ્રામજનોએ નક્કી કરેલ એજન્ડા મુજબ જ ગ્રામસભા યોજાશે. : શ્રી અમિત ચાવડા
· અધિકારીઓને ભાજપે સત્તા આપી દીધી છે કે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તેઓ સસ્પેન્ડ કરી શકે તે નાબૂદ કરીશું : શ્રી અમિત ચાવડા
· ભાજપના કમિશન અને ભ્રષ્ટાચારના નેક્સસને તોડીને સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરી પ્રજાલક્ષી પંચાયતી રાજ સ્થાપવામાં આવશે : અમિત ચાવડા
· પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરવામાં આવશે. : અમિત ચાવડા
· દરેક જરૂરિયાતમંદ ગરીબ પરિવારને આવાસ માટે પ્લોટ અને મકાન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. : અમિત ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં દિવસે દિવસે ગામડા તુટતા જાય છે. શહેરીકરણ તરફની દોટ વધતી જાય છે.ગુજરાતમાં પંચાયતી રાજનો પાયો સ્વ.બળવતરાય મહેતાએ જેવા દ્રષ્ટા નેતાઓએ નાખ્યો હતો,જે મોડેલને આખા દેશે સ્વીકાર્યું હતું.કોંગ્રેસના વિઝન અને રાજીવ ગાંધીજીના સત્તાના વિકેન્દ્રીકરણના વિચારને કારણે ગ્રામીણ વ્યવસ્થાઓ મજબૂત બની હતી અને મહિલાઓને વહીવટમાં ભાગીદારી મળી હતી. જોકે,વર્તમાનમાં ભાજપની કેન્દ્રીકરણની નીતિને કારણે આ ગૌરવશાળી વ્યવસ્થા નબળી પડી છે અને ગુજરાત પંચાયતી રાજમાં દેશમાં ૧૮ મા ક્રમે ધકેલાઈ ગયું છે. આજે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં અધિકારીઓનું જોર વધ્યું છે, જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર અને સ્વાયત્તતા જોખમાઈ રહ્યા છે. જે પંચાયતી રાજે ભૂતકાળમાં આંગણવાડી અને પૂર જેવી આપત્તિઓના વ્યવસ્થાપનમાં મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું, તે આજે અમલદારશાહીના અંકુશ નીચે દબાઈ ગયું છે, જે ગ્રામીણ વિકાસ માટે ચિંતાનો વિષય છે.
વર્તમાન સમયમાં પંચાયતી રાજ વ્યવસ્થા માત્ર નામની રહી ગઈ છે, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીઓના બોજ નીચે દબાયેલા છે પરંતુ તેમની પાસે સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તાનો અભાવ છે. કોંગ્રેસ પક્ષ આ વ્યવસ્થાને પુનઃ જીવંત કરી સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરવા માટે કટિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય ગ્રામસભાને ખરા અર્થમાં લોકકેન્દ્રિત બનાવી, ગ્રામજનોને પોતાનો એજન્ડા જાતે નક્કી કરવાની શક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવા માટે તેમને જરૂરી પ્રવાસ ભથ્થું પૂરું પાડવામાં આવશે, જેથી તેઓ વહીવટી કામકાજ માટે સરળતાથી તાલુકા અને જિલ્લા સ્તરે પહોંચી શકે. ગ્રામ્ય સ્તરે ઓનલાઈન સેવાઓ મજબૂત બનાવી સામાન્ય જનતા પરનો આર્થિક ભાર ઓછો કરવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચાડવો એ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે કે, દરેક તાલુકા જિલ્લા પંચાયતોમાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરવાનું,જ્યાં આધાર કાર્ડ, મા કાર્ડ અને તમામ સરકારી યોજનાઓના ફોર્મ તથા ઓનલાઇન અરજીઓ જેવી CSC સેવાઓ ગ્રામજનોને સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. વહીવટી પારદર્શિતા લાવવા માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી પ્રક્રિયા અમલી બનાવીશું. ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓ પર દેખરેખ રાખવા વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવશે અને દરેક વિકાસ કાર્યનું જનતા ઓડિટ સુનિશ્ચિત કરાશે.ભાજપ સરકારે યુવાનોને કાયમી કરવાના ખોટા સપના દેખાડી રહી છે.વર્ષોથી અન્યાયનો સામનો કરી રહેલા VCE (કોમ્પ્યુટર ઓપરેટર) મિત્રોને પંચાયતના બજેટમાંથી પૂરતો પગાર મળે અને તેમને કાયમી કરવામાં આવે તે માટે કોંગ્રેસ મક્કમતાથી કાર્ય કરશે. ભાજપના કમિશન અને ભ્રષ્ટાચારના નેક્સસને તોડીને સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ કરી પ્રજાલક્ષી પંચાયતી રાજ સ્થાપવાનો છે.
કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસન ચલાવશે. હાલની પંચાયતી રાજ વ્યવસ્થામાં ભાજપ સરકાર કમિશન રાજ અને કમલમ કેન્દ્રિત વહીવટના નેક્સસને તોડીને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. ગ્રામીણ અસ્કયામતોની રક્ષા માટે ગૌચર કે સરકારી પડતર જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવાની નીતિ સામે હવે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી અનિવાર્ય બનાવવામાં આવશે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં લોકોના આશીર્વાદથી સત્તા મેળવતાની દરેક ગામની વસ્તી પ્રમાણે વિકાસ ગ્રાન્ટની વહેંચણીમાં થતા ભેદભાવ દૂર કરી, વસ્તીના ધોરણે સપ્રમાણ અને ન્યાયી ફાળવણી માટે એક ચોક્કસ તંત્ર ઊભું કરાશે, જેથી કોઈ ગામ કે વર્ગ વંચિત ન રહે. મહિલા સશક્તિકરણને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક બનાવવા માટે, ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓના પતિ શાસનને સ્થાને તેમને વહીવટી તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે, જેથી તેઓ સ્વનિર્ભય રીતે નેતૃત્વ કરી શકે.ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની કામગીરીને વિશેષ પ્રાધાન્ય આપી, ગ્રામીણથી જિલ્લા સ્તર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને ‘ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ એવોર્ડ’થી સન્માનિત કરશે, જેથી અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળે. ગરીબ પરિવારોની આવાસની સમસ્યાના કાયમી ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ હસ્તક રહેલી લેન્ડ કમિટીની સત્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે અને દર ત્રણ મહિને નિયમિત બેઠકો યોજી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. જે ગામોમાં સરકારી કે નીમ થયેલી જમીન ઉપલબ્ધ નથી, ત્યાં જરૂર પડે ખાનગી જમીન સંપાદિત (Acquire) કરીને પણ દરેક જરૂરિયાતમંદ ગરીબ પરિવારને આવાસ માટે પ્લોટ અને મકાન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગ્ય તક મળે તે માટે દરેક તાલુકામાં આધુનિક sports complex ઉભું કરવું અને તેનો સીધો વહીવટ તાલુકા તથા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે તે કોંગ્રેસ પાર્ટીનું સ્પષ્ટ કમિટમેન્ટ છે. જિલ્લા પંચાયતમાં રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે અલગ સમિતિ બનાવીને સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે. પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સમસ્યાઓના ઝડપી નિવારણ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વધુ સત્તા આપીને ગામસ્તરે તાત્કાલિક કામગીરી શક્ય બને તે દિશામાં પગલાં લેવામાં આવશે. ગામડાંમાંથી વધતું સ્થળાંતર અટકાવવા, ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવવા અને પંચાયતી રાજ વ્યવસ્થાને ફરીથી સશક્ત બનાવીને દેશ માટે શ્રેષ્ઠ મોડલ ઉભું કરવાનો કોંગ્રેસનો દૃઢ સંકલ્પ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનું ગ્રામિણ ગુજરાત માટે વિઝન ડોક્યુમેન્ટ તથા કોંગ્રેસનું કમીટમેન્ટ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો.કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા શ્રી હિરેન બેન્કર, ડો. પાર્થિવરાજ કઠવાડીયા, વરિષ્ઠ આગેવાન શ્રી નવીન ભાવસાર (મામા) અને શ્રી રજનીકાંત કડ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments