ગુંજી રહી છે કુંડલાની ગલીઓ આજે હાસ્યના ગુંજારથી,
સત્કાર્યા છે પદ્મશ્રીને અમે, પૂરા હેત અને સત્કારથી.
હશે ભલેને હોદ્દો મોટો, પણ સાદગી છે એમની શાન,
શિક્ષક બનીને જેણે દીધું છે, આ શહેરને અમર સન્માન.
–“પાંધી સર”
સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે એક ઐતિહાસિક અને ભાવસભર પ્રસંગ યોજાયો હતો. સાવરકુંડલાની માતૃસંસ્થા શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને હાસ્ય સાહિત્યના દિગ્ગજ ડો. રતિલાલ બોરીસાગર સાહેબનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કાણકિયા કોલેજથી કરવામાં આવી હતી, જ્યાં બોરીસાગર સાહેબને પરંપરાગત સાફો બાંધી શાહી ઠાઠ સાથે સામૈયું કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઘેલાણી પ્રાર્થના ખંડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો.
વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાએ ગળગળા થઈ બોરીસાગર સાહેબને ‘પિતાતુલ્ય’ ગણાવ્યા હતા અને તેમના માર્ગદર્શનની જીવન પર પડેલી અસર વિશે ભાવુક રજૂઆત કરી હતી. સાથે સાથે સાવરકુંડલાના નાવલીના ખમીર અને સાંસ્કૃતિક વિરાસતને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે પોતાના પૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે મુકુંદભાઈ નાગ્રેચા, ચંદ્રિકાબેન ઘેલાણી, હિમાંશુભાઈ બોરીસાગર અને મનસુખભાઈ સલ્લા સહિતના વક્તાઓએ સાહેબના જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. હિમાંશુભાઈએ સાહેબના બાળપણના સંસ્મરણો વાગોળતા આંબલી શેરી, રામજી અમરશી શાળા અને જે. વી. મોદી હાઈસ્કૂલના દિવસો યાદ કર્યા હતા.
ડો. રતિલાલ બોરીસાગરે પોતાના વક્તવ્યમાં સાવરકુંડલા પ્રત્યેના ૧૭ વર્ષના શિક્ષક તરીકેના કાર્યકાળ અને અનોખા સ્નેહ સંબંધને યાદ કર્યો હતો. ‘સ્મિત’ થી લઈને ‘મરકમરક’ સુધીના પંદરેક પુસ્તકો દ્વારા હાસ્ય પીરસનાર સાહેબે ખિલખિલાટ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
આ પ્રસંગે ગુરુકુળના વડા ભગવતપ્રસાદદાસજી સ્વામી, પ્રમુખ હરિપ્રસાદદાસજી સ્વામી, અંધારિયા સાહેબ, રાજેન્દ્રભાઈ ખીમાણી, નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ અને શહેરના સાહિત્યપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રવિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા સમેત એડમીન સ્ટાફ પણ સતત ખડે પગે ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ માટે સ્વરૂચિ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામને ભાવથી ભોજન કરાવવામાં આવ્યું.
એકંદરે સમગ્ર સાવરકુંડલા શહેર માટે આ અવસર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય ગયો.


















Recent Comments