અમરેલી

બ્રહ્મ વાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્ય માં. શબરી માતાની તપોભૂમિ પર પંચ-દિવસીય કુમારીકાઓ માટેનો વ્રત ઉત્સવ સફળતા પૂર્વક સંપન્ન

ડાંગ વાસુર્ણા: તા: ૨: આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય, વાસુર્ણા’ ખાતે વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અલુણા વ્રત તથા જયાપાર્વતી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

​શબરી માતાની પવિત્ર અને સનાતન ભૂમિ પર આયોજિત આ વ્રત ઉત્સવમાં છાત્રાલયની કન્યાઓએ સતત પાંચ દિવસ સુધી સંયમ અને નિષ્ઠાપૂર્વક ઉપવાસ-વ્રત કર્યા હતા. આ વ્રતનો મુખ્ય હેતુ દીકરીઓમાં બુદ્ધિ, જ્ઞાન, પ્રેમ, તેજસ્વીતા અને શક્તિ જેવા સદ્ગુણોનું સિંચન કરવાનો તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાનો હતો.

​વ્રતના અંતિમ દિવસે રાત્રિ દરમિયાન જાગરણ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી તથા શ્રી ધનસુખભાઈ (જયાલક્ષ્મી તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર)ના ગરિમામય સાનિધ્યમાં ભજન, કીર્તન અને સત્સંગનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભક્તિમય વાતાવરણમાં દીકરીઓ અને ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા.

​વહેલી સવારે શાસ્ત્રીય પરંપરા મુજબ પુરોહિત શ્રી મુલજીભાઈ દ્વારા જ્વારા પૂજન તેમજ પંચાયતન પૂજા વિધિવત રીતે સંપન્ન કરાવવામાં આવી હતી. ત્યારબાદ તમામ દીકરીઓ ભાવપૂર્વક ગામના નદી કિનારે પહોંચી હતી, જ્યાં જ્વારાનું વિસર્જન કરી શાસ્ત્રોક્ત રીતે પારણાં કરીને વ્રતની પૂર્ણાહુતિ કરી હતી.

​આ સમગ્ર આયોજનથી કન્યાઓમાં ભારતીય વૈદિક સંસ્કૃતિ, ધાર્મિક નિષ્ઠા અને સંસ્કારોનું પ્રબળ સિંચન થયું હતું.

Related Posts