ઝરમર ભીંજવે આ મેઘ પણ ક્યાંક અંદરથી,
યાદોની વાદળી વરસે છે કોઈ છાની ખૂણેથી.
સમયના વહેણમાં વહી જાય છે ખુશી ને ગમ,
જીવન પણગઝલ જેવું મસ્ત થઈને માણીએ
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આજે રવિવારે વહેલી સવારથી જ મેઘાવી વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદને કારણે સમગ્ર શહેરના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી હતી.
વહેલી સવારે નીકળેલા રાહદારીઓ ભીંજાયા
આજે રવિવારની જાહેર રજા હોવાથી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને શાળા તથા કચેરીઓમાંથી રાહત હતી. પરંતુ, વહેલી સવારે પોતાના નિત્યક્રમ કે કામકાજ અર્થે નીકળેલા અનેક લોકો રસ્તા પર અચાનક શરૂ થયેલા વરસાદી ઝાપટામાં ભીંજાયા હતા. વહેલી સવારના વરસાદ બાદ સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં ઘેરા વાદળો ઘેરાયેલા રહ્યા હતા.
ગરમીથી રાહત પણ
વાદળછાયા હવામાનને કારણે બપોરના સમયે પણ લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી. રવિવારની રજામાં ગુલાબી ઠંડક પ્રસરી જતાં ખાણીપીણીના શોખીનોએ લસણીયા ગાંઠિયા, મરચાં, સંભારો અને ચટણી સાથે ગરમાગરમ ચાનો સ્વાદ માણી રવિવાર ઉજવ્યો હતો. જોકે, બીજી તરફ દિવસ દરમિયાન સમયાંતરે સતત ઝરમર વરસાદ ચાલુ રહેવાને કારણે બહાર ફરવા નીકળેલા લોકોના રવિવારના આયોજન પર પાણી ફરી વળ્યું હતું અને તેમની મજા બગડી હતી.


















Recent Comments