અમરેલી

સાવરકુંડલામાં ઝરમર વરસાદ વચ્ચે સ્થાનિકો ભીંજાયા: નાવલી નદીના રિવરફ્રન્ટ પાસે ભરાતા પાણીથી તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આજરોજ વહેલી સવારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોએ આહલાદક વાતાવરણની મજા માણી હતી, પરંતુ બીજી તરફ શહેરના અમુક વિસ્તારોમાં ભરાયેલા પાણીએ નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.

​ખાસ કરીને સાવરકુંડલા શહેરના બેઠકજી તરફ જતા મુખ્ય માર્ગ પર, જે બરોબર નાવલી નદીના કિનારે આવેલો છે, ત્યાં થોડા જ વરસાદમાં રસ્તાની બાજુમાં પાણીનો ભરાવો થઈ જાય છે. *હાલ નાવલી નદી ખાતે ચાલી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની લગોલગ જ આ પાણી જમા થતાં દૂરથી જોતાં એવું લાગે છે જાણે રિવરફ્રન્ટનું કોઈ ‘તળાવ મોડેલ’ તૈયાર થયું હોય!*

આ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલું રહેવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણી અને મચ્છરોના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જે સીધી રીતે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે.

સ્થાનિક નાગરિકો અને મીડિયા દ્વારા અવારનવાર અખબારી અહેવાલો અને ફરિયાદો કરવા છતાં પાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લોકો હવે ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે:

*​”જો નાવલી નદીના રિવરફ્રન્ટનું કામ અવિરત અને ઝડપથી ચાલી શકતું હોય, તો તેની જ બાજુમાં એકઠા થતાં પાણીના નિકાલ માટે તંત્ર આટલો વિલંબ શા માટે કરી રહ્યું છે?”*

​ચોમાસાની શરૂઆતમાં જ જો આ પરિસ્થિતિ હોય તો આગળ જતાં સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી *સ્થાનિક તંત્ર તાત્કાલિક ધોરણે જાગીને આ વિસ્તારમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે.*

Related Posts