ગુજરાત

જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે: અમદાવાદ સિવિલમાં જટિલ ઓપરેશન સફળ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી છે. જ્યાં જન્મજાત અન્નનળી ન હોવાની – પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસુમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડી તેને નવું અને રોગમુક્ત જીવન આપ્યું છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રહેતા અને એગ્રો કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ ૭ નવેમ્બર, ૨૦૨૩ના રોજ થયો હતો. મંતવ્ય ‘પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા’ નામની ગંભીર જન્મજાત ખોડખાંપણ સાથે જન્મ્યો હતો. આ દુર્લભ સ્થિતિમાં બાળકની અન્નનળીના બંને છેડા એકબીજાથી અત્યંત દૂર હોવાથી તે પૂર્ણપણે વિકસિત થઈ શકતી નથી. પરિણામે, બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં અસમર્થ હતું.

બાળકના જન્મના બીજા જ દિવસે તેનું જીવન બચાવવા માટે ઈસોફેગોસ્ટોમી (ગળાના ભાગેથી રસ્તો બનાવવો) અને ગેસ્ટ્રોસ્ટોમી (પેટ/હોજરીમાં ટ્યુબ મૂકવી) જેવી પ્રાથમિક સર્જરીઓ કરવામાં આવી હતી, જેના દ્વારા બાળકને નળી વડે પ્રવાહી આહાર આપવામાં આવતો હતો. ત્યારબાદ નિયમિત ફોલો-અપ અને યોગ્ય પોષણથી બાળકના વજન તેમજ શારીરિક વિકાસમાં સંતોષકારક સુધારો થતાં, ગત ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ અન્નનળીના Esophageal Reconstruction માટેની અત્યંત જટિલ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકના પેટ (હોજરી)માંથી નવી અન્નનળી બનાવવાની આ અત્યંત જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, બાળ સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદના ૨૩મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને કોઈપણ પ્રકારની જટિલતા વગર તેને હોસ્પિટલમાંથી હસતા મુખે રજા આપવામાં આવી છે.

તબીબી આંકડાઓ મુજબ, ટ્રેકિયો-ઈસોફેજિયલ ફિસ્ટુલા (TOF) દર ૨,૫૦૦ થી ૪,૦૦૦ જીવંત જન્મોમાંથી એક બાળકમાં જોવા મળે છે. પરંતુ જે કેસમાં અન્નનળીના બંને છેડા ખૂબ જ દૂર હોય (Pure Esophageal Atresia), ત્યાં ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ જ એકમાત્ર અસરકારક ઉપાય બને છે, જેમાં સફળતાનો દર ૮૫ થી ૯૦ ટકા જેટલો છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂરિયાત રહે છે. બાળકની પોષણક્ષમતા જાળવવાથી લઈને યોગ્ય સમયે ઓપરેશન કરવું એ જ આ સફળતાની ચાવી છે. ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી ગણાતી આ અદ્યતન સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં અમારી ટીમે આવા ૭ જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

પોતાના અઢી વર્ષના માસૂમ પુત્રને પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતો જોઈને બાળકના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો તથા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts